
કચ્છ, 28 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેપાર સામે ચાલી રહેલા સઘન અભિયાન દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલને પૂર્વ કચ્છના ગાગોદર વિસ્તારમાં મોટી સફળતા મળી છે. રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં કરવામાં આવેલી ચોક્કસ બાતમી આધારિત કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) અને બિયરના વિશાળ જથ્થા સાથે કુલ રૂ. 78.57 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. માત્ર દારૂ અને બિયરના જથ્થાની જ કિંમત રૂ. 48.35 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાગોદર વિસ્તારમાં આવેલી જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 500 પેટી અને 13,500 જેટલી દારૂ-બિયરની બોટલો મળી આવતા સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત વાહન સહિત અન્ય સામગ્રી પણ કબ્જે લેવામાં આવતા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 78.57 લાખ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર તેમજ ટ્રકના માલિક સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ જોગવાઈઓ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે આ જથ્થો રાજ્યમાં ગેરકાયદે સપ્લાય માટે લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે. આ કાર્યવાહીને કચ્છમાં દારૂના ગેરકાયદે વેપાર સામેની એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar