
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન પડેલા સતત વરસાદના કારણે અનેક રાજ્ય માર્ગોની સપાટી પર નુકસાન પહોંચ્યું હતું. વરસાદમાં વિરામ મળતા જ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા જિલ્લાના વિવિધ નુકસાનગ્રસ્ત માર્ગોની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
વિભાગ દ્વારા વધુ વાહનવ્યવહાર ધરાવતા તેમજ જાહેર જનતાની સલામતી માટે મહત્વના માર્ગોને પ્રાથમિકતા આપી પેચવર્ક અને સપાટી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગો ઝડપથી વાહનવ્યવહાર માટે યોગ્ય બને તે માટે અધિકારીઓ સ્થળ પર સતત દેખરેખ રાખી રહ્યા છે અને કામગીરી ગુણવત્તાસભર તેમજ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.
માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગનો ઉદ્દેશ્ય વરસાદથી નુકસાન પામેલા માર્ગોને વહેલી તકે સુરક્ષિત અને સુગમ બનાવવાનો છે, જેથી વાહનચાલકો અને મુસાફરોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વિભાગ દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરીને કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક મરામત હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR