
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) વિસનગરના તિરુપતિ ઋષિવનમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન એમ્બેસેડર અને પર્યાવરણપ્રેમી જીતુ તિરુપતિએ ચોમાસાની ઋતુમાં 1000 ચંપા વાવવાનું મિશન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ માત્ર બે દિવસમાં કોઈપણ ખર્ચ કર્યા વગર કટીંગ પદ્ધતિથી 1,000 ચંપાના છોડ તૈયાર કરીને તેનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ હરિયાળી વધારવાની સાથે ખેડૂતોને ઓછી મૂડીમાં આવકનો નવો વિકલ્પ પૂરો પાડવાનો છે.જીતુ તિરુપતિએ જણાવ્યું કે બજારમાં એક ચંપાના રોપાની કિંમત ₹250થી ₹300 સુધી હોય છે, જ્યારે નાની સાઇઝનો છોડ ₹100થી ₹150માં વેચાય છે. કટીંગ પદ્ધતિથી રોપા તૈયાર કરવામાં આવે તો મોંઘા ભાવે નર્સરીમાંથી છોડ ખરીદવાની જરૂર રહેતી નથી અને ખૂબ ઓછા ખર્ચે મોટી સંખ્યામાં રોપા તૈયાર થઈ શકે છે.
ચંપાના સફેદ અને સુગંધિત ફૂલની બજારમાં સારી માંગ હોવાથી તેના રોપાના વેચાણથી ખેડૂતો સારી આવક મેળવી શકે છે. ઉપરાંત આ છોડને ખૂબ ઓછી માવજત, પાણી અને ખાતરની જરૂર પડતી હોવાથી તેનું સંવર્ધન સરળ બને છે. તિરુપતિ ઋષિવનમાં ચંપા ઉપરાંત વડ, પીપળા સહિતના વિવિધ વૃક્ષોના રોપા પણ કટીંગથી તૈયાર કરીને વિવિધ સ્થળોએ વાવવામાં આવી રહ્યા છે. જીતુભાઈએ ખેડૂતો અને યુવાનોને આ સરળ પદ્ધતિ અપનાવી હરિયાળી વધારવા અને સ્વરોજગારની નવી તકો ઉભી કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR