
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા શ્રી એસ. વી. શાહ વિદ્યાવિહાર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC-2026) અંતર્ગત શિક્ષક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં મહેસાણા જિલ્લાના કુલ 37 શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને સંશોધન આધારિત પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવો, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો તેમજ પ્રોજેક્ટની અસરકારક રજૂઆત કેવી રીતે કરવી તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે અને તેઓ સંશોધન આધારિત અભ્યાસ તરફ પ્રેરિત થાય તે હતો.
આ પ્રસંગે મુખ્ય તજજ્ઞ તરીકે ડૉ. પરેશકુમાર જે. પટેલે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શિક્ષકોને NCSC-2026ની થીમ, પ્રોજેક્ટ પસંદગી, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ અને વૈજ્ઞાનિક વિચારસરણીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે શિક્ષકોએ તાલીમને ઉપયોગી ગણાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. GUJCOSTના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમથી જિલ્લામાં વૈજ્ઞાનિક શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR