
પાટણ, 28 જુલાઈ (હિ.સ.) પાટણની સ્પેશિયલ NDPS કોર્ટે અફીણ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડની પોલીસની અરજી નામંજૂર કરી છે. કોર્ટે તપાસ દરમિયાન પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
આ કેસમાં 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે મધ્યપ્રદેશના જગદીશ નાથુ બંજારા અને પાટણના ડેર ગામના રજુજી ઠાકોર ઝડપાયા હતા. અગાઉ જ્યુડિશિયલ કોર્ટે 22 થી 27 જુલાઈ સુધી સાડા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે વધુ ચાર દિવસની કસ્ટડી માંગતા જણાવ્યું હતું કે ડેર ગામના ભરતજી અને મધ્યપ્રદેશના પ્રહલાદ રાઠોડ સુધી તપાસ પહોંચાડવાની તેમજ ₹1,00,610ના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની તપાસ બાકી છે.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીઓ પાસેથી જરૂરી માહિતી પહેલેથી મેળવી લેવાઈ છે અને સમગ્ર રિમાન્ડ દરમિયાન તેમને SOG પોલીસ સ્ટેશન સિવાય ક્યાંય લઈ જવામાં આવ્યા નહોતા.
કોર્ટે નોંધ્યું કે ડેર ગામ નજીક હોવા છતાં પોલીસે તપાસ માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો તેમજ મધ્યપ્રદેશ પણ લઈ જવામાં આવ્યા નહોતા. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની માહિતી બેંક પાસેથી મેળવી શકાય હોવાથી આરોપીની કસ્ટડી જરૂરી નથી. તેથી વધુ રિમાન્ડની અરજી ફગાવી દેવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ