


- અંતરિયાળ વિસ્તારના કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તે આપણી પ્રાથમિકતા છે
છોટાઉદેપુર , 28 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત રહેઠાણની સુવિધા મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં અંદાજિત રૂ.15 કરોડની નવનિર્મિત મોડેલ ડે સ્કૂલ રૂમડિયા ખાતે દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અને છોટાઉદેપુર તાલુકાની કે.જી.બી.વી. હરપાલપુરાનું લોકાર્પણ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વર્ષ 2002 માં શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં શિક્ષણમાં સુધારા કરવામાં આવ્યા હતા. આ સુધારાઓનું અમલીકરણ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા ભગીરથ અભિયાનો દ્વારા ગામડે-ગામડે પહોંચાડીને કર્યું હતું. આ સતત પ્રયાસોના પરિણામે ગુજરાતમાં એક સમયે ૭૬% જેટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો હતો, જે ઘટીને આજે માત્ર 2.35 % પર આવી ગયો છે.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર ગાર્ગી જૈનની દુરંદેશીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આંબાડુંગર અને આમલાપાણી જેવા દુર્ગમ અને પહાડી વિસ્તારો, જ્યાં કાયમી પાક્કા બાંધકામ કરવું મુશ્કેલ છે, ત્યાં ટૂંકા ગાળામાં તમામ સુવિધાઓથી સજ્જ કન્ટેનર શાળા શરૂ કરવાનો કન્સેપ્ટ પ્રશંસનીય છે. આ સુવિધાથી આદિવાસી સમાજના બાળકોને પોતાના વિસ્તારમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળશે.
વધુમાં મંત્રીએ વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, બાળક શાળાએથી ઘરે આવે ત્યારે તે શાળામાં શું શીખ્યો તેની પૃચ્છા કરવી જોઈએ. બાળકના ઘડતરમાં વાલીઓની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. 'નિપુણ ભારત' અભિયાન હેઠળ બાળકો માત્ર અક્ષરજ્ઞાન પૂરતા સીમિત ન રહેતા કૌશલ્ય અને સંસ્કાર આધારિત શિક્ષણ મેળવે તે જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં 11000 જેટલા શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે, જેનાથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાઈ જશે. 'વિદ્યા સેતુ' અભિયાન હેઠળ શાળા છોડી ગયેલા બાળકોને આઇડેન્ટિફાય કરીને તેમને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કાર્ય ચાલી રહ્યું છે.
કાર્યક્રમના અંતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ સૌને સંકલ્પ લેવડાવ્યો હતો કે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ની પરિકલ્પનાને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડીને દરેક બાળક ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી સહિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલમાં પટાંગણ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અંગેનો સંદેશ આપ્યો હતો. મંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
કવાંટ તાલુકાના રૂમડીયા ખાતે મોડેલ ડે સ્કૂલ રૂમડિયા ગર્લ્સ હોસ્ટેલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.7 કરોડના અંદાજિત ખર્ચે 100 દીકરીઓની ક્ષમતા ધરાવતી મોડેલ ડે સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ખાતે 200 દીકરીઓને રહેવા માટે રૂ.8 કરોડના અંદાજિત ખર્ચે કે.જી.બી.વી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
નવનિર્મિત બંને ભવનોમાં દીકરીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપતા રહેઠાણ અને અભ્યાસમાં ડોરમેટ્રી, રીડિંગ હોલ, એક્ટિવિટી રૂમ, વોર્ડન રૂમ, કિચન, સ્ટોરરૂમ, ડાઇનિંગ હોલ તથા ટોયલેટ-બાથરૂમની વ્યવસ્થા. સુરક્ષા અને ટેકનોલોજીમાં સમગ્ર બિલ્ડીંગમાં 24 x7 સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરા તથા ફાયર સેફ્ટીની પરિપૂર્ણ સુવિધા. ગ્રીન એનર્જી અને સુવિધામાં 24 કલાક વીજળી અને પાણી માટે જનરેટર, સોલર પેનલ, સોલર સ્ટ્રીટ લાઈટ અને સોલર વોટર હીટર. સ્ટાફ સુવિધામાં વુમન કેબિનની પણ વિશેષ સુવિધા રાખવામાં આવી છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેઓ અભેસિંહ તડવી, જયંતી રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પૂર્વ સાંસદ ગીતા રાઠવા, સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ