
વડોદરા , 28 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર આવેલ સત્સંગ પાર્ટી પ્લોટ સામે, આજે એક ફોર-વ્હીલ કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ, સન ફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટ સામે પસાર થઈ રહેલી એક કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી થોડા જ સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી, જેના કારણે આગ અન્ય વાહનો કે આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાઈ હતી.
પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા ટેક્નિકલ ખામીના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના કારણે થોડા સમય માટે સન ફાર્મા રોડ પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી, જેને બાદમાં પોલીસે સામાન્ય બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ