ધોલેરા નજીક કાર દુર્ઘટનામાં સુરતના પરિવાર પર આફત, માતા અને એક વર્ષના પુત્રનું જીવતા સળગી જતાં મોત
સુરત, 28 જુલાઈ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક ચાંદની હોટલ પાસે મંગળવારે સાંજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સુરતના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ધોલેરા તાલુકાના ઓતરિયા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતમાં વસતા પરિવારની કાર અકસ્માત
Surat


સુરત, 28 જુલાઈ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક ચાંદની હોટલ પાસે મંગળવારે સાંજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સુરતના એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ધોલેરા તાલુકાના ઓતરિયા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતમાં વસતા પરિવારની કાર અકસ્માત બાદ પલટી મારી જતાં તેમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં સમગ્ર કારને ઘેરી લેતાં અંદર ફસાયેલા અમી કાકડિયા અને તેમના એક વર્ષના પુત્ર ધનુષનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે જતીન કાકડિયા અને તેમના પિતા સવજી કાકડિયા ગંભીર ઇજાઓ સાથે બચી ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત બાદ જતીનભાઈ અને તેમના પિતા કારમાંથી બહાર નીકળી શક્યા હતા, પરંતુ માતા અને બાળક અંદર જ ફસાઈ ગયા હતા. જતીનભાઈ સતત આસપાસના લોકોને કાર સીધી કરીને પત્ની અને પુત્રને બચાવવા માટે વિનંતી કરતા રહ્યા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે કોઈ પણ વ્યક્તિ નજીક જઈ શકી નહોતી. થોડા જ સમયમાં સમગ્ર કાર આગની ઝપેટમાં આવી જતાં બંનેને બચાવવાની તમામ શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande