
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં આવેલી વિન્ડ વર્લ્ડ ક્લીન એનર્જી ફોરએવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવી કોપર અર્થિંગ વાયરની ચોરીના બે અલગ-અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. બંને બનાવોમાં મળીને પાંચ પવનચક્કીમાંથી કુલ રૂપિયા 71,400 કિંમતનો કોપર અર્થિંગ વાયર કાપી ચોરી કરી જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કાલાવડ ગ્રામ્ય અને લાલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામની સીમમાં બન્યો હતો. ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની ફરિયાદ મુજબ, કંપનીની લોકેશન નં. 523 અને 524 પર આવેલી બે પવનચક્કીના ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલો 150 એમ.એમ.નો લીલા કવરવાળો કુલ 50 મીટર કોપર અર્થિંગ વાયર કાપી ચોરી કરી લેવામાં આવ્યો હતો. ચોરાયેલા વાયરની કિંમત અંદાજે રૂપિયા 30,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ 22 જૂનની રાત્રિથી 24 જૂનની સવારે વચ્ચે બન્યો હોવાનું નોંધાયું છે.બીજો બનાવ લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં નોંધાયો છે. ગણેશ સિક્યુરિટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ કરશન નાથાભાઈ પાચરની ફરિયાદ મુજબ, ગોવાણા-ભબરઝર સાઇટ પર આવેલી લોકેશન નં. 85, 87 અને 88 પરની ત્રણ પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાંથી મશીન સુધી જતો કુલ 69 મીટર કોપર અર્થિંગ કેબલ વાયર કાપી ચોરી કરવામાં આવ્યો હતો. ચોરાયેલા વાયરની કિંમત રૂપિયા 41,400 હોવાનું બહાર આવ્યું છે. કંપની દ્વારા આંતરિક તપાસ કર્યા બાદ ચોરાયેલો માલ મળી ન આવતા આખરે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બંને બનાવોમાં પોલીસ અજાણ્યા ચોરોને શોધવા માટે તપાસ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt