
બોટાદ, 28 જુલાઈ (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના ટાટમના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે સાઇબર સુરક્ષા, પોક્સો એક્ટ (POCSO Act) અને વિવિધ કાયદાકીય વિષયો અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ લાવવાનો, ડિજિટલ યુગમાં સુરક્ષિત રહેવાની સમજણ આપવાનો તથા બાળ સુરક્ષા સંબંધિત અધિકારો અંગે માહિતી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા, અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવા, ઓનલાઈન છેતરપિંડી, સાયબર બુલિંગ અને ફેક લિંક્સથી સાવચેત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું. ઉપરાંત, કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિની તાત્કાલિક જાણ માતા-પિતા, શિક્ષકો અથવા સંબંધિત અધિકારીઓને કરવાની અપીલ કરવામાં આવી.
પોક્સો એક્ટ અંગે વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા માટેના કાયદા, સારા અને ખરાબ સ્પર્શની ઓળખ, પોતાના અધિકારો અને મુશ્કેલીની પરિસ્થિતિમાં મદદ મેળવવાના વિવિધ માધ્યમોની માહિતી આપવામાં આવી. કાયદાકીય જાગૃતિ સત્રમાં વિદ્યાર્થીઓને બંધારણીય અધિકારો, નાગરિક તરીકેની ફરજો તેમજ કાયદાનું પાલન કરવાના મહત્વ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો અને માર્ગદર્શકો દ્વારા તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા. આયોજકોએ જણાવ્યું કે આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સુરક્ષા પ્રત્યેની સભાનતા અને જવાબદાર નાગરિક બનવાની ભાવના વધુ મજબૂત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA