અણમોલ વન્યજીવન : જૂનાગઢના ગીરના ડાલામથ્થા સિંહ, સરહદના વાઘથી લઈ સીમાડાના શિકારી દીપડા સુધી
જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) કુદરતના સૌથી ભવ્ય અને શક્તિશાળી શિકારીઓમાં ''બિલાડ કુળના મોટા પ્રાણીઓ'' (Big Cats) નું સ્થાન અજોડ છે. સિંહ, વાઘ, દીપડો, જેગુઆર, હીમ દીપડો, ચિત્તા, માઉન્ટેન લાયન જેવા પ્રાણીઓ માત્ર પોતાની અદ્ભુત તાકાત, ઝડપ અને
અણમોલ વન્યજીવન : જૂનાગઢના ગીરના ડાલામથ્થા સિંહ, સરહદના વાઘથી લઈ


જૂનાગઢ 28 જુલાઈ (હિ.સ.) કુદરતના સૌથી ભવ્ય અને શક્તિશાળી શિકારીઓમાં 'બિલાડ કુળના મોટા પ્રાણીઓ' (Big Cats) નું સ્થાન અજોડ છે. સિંહ, વાઘ, દીપડો, જેગુઆર, હીમ દીપડો, ચિત્તા, માઉન્ટેન લાયન જેવા પ્રાણીઓ માત્ર પોતાની અદ્ભુત તાકાત, ઝડપ અને અચૂક શિકાર કરવાની કળા માટે જ નહીં, પરંતુ પોતાની અપ્રતિમ સુંદરતા અને રોયલ લુક અંદાજ માટે પણ આખા વિશ્વમાં જાણીતા છે.

તેઓ જંગલના નિવસનતંત્ર (Ecosystem) માં તેઓ સર્વોચ્ચ શિકારી (Apex Predators) તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કુદરતનું સંતુલન જાળવી રાખે છે. પૃથ્વી પરનું આ વન્યજીવન આપણી પ્રાકૃતિક ધરોહરનો એક અનમોલ ભાગ છે, જેને નજીકથી જાણવું અને તેનું રક્ષણ કરવું આજે ખૂબ જ જરૂરી બન્યું છે. ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશ ભાગ્યશાળી છે કે જ્યાં આ અદ્ભુત વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો ઉપલબ્ધ છે.

પરંતુ, સતત બદલાતી આબોહવા, જંગલોનો ઘટાડો અને માનવ-વન્યજીવ સંઘર્ષ જેવા પડકારો વચ્ચે આ પ્રાણીઓનું સંરક્ષણ કરવું એ માત્ર સરકાર કે વન વિભાગની જ નહીં, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ બની રહે છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાઘ, સિંહ અને દીપડો આમ ત્રણેય બિગ કેટસની પ્રજાતિઓ એકસાથે મુક્તપણે વિચરતી જોવા મળે છે. તાજેતરમાં ભારતમાં ચિત્તાના પુનર્વસનથી આ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે.

એશિયાઈ સિંહ (Asiatic Lion) : ગુજરાતનું ગૌરવ અને એશિયાઈ સિંહોનું વિશ્વનું એકમાત્ર નિવસનસ્થાન એટલે આપણું જૂનાગઢ જિલ્લાનું 'ગીર' જંગલ અને તેનો બૃહદ ગીર (Greater Gir) વિસ્તાર છે. વન વિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી સિંહોની વસ્તીમાં સાતત્યપૂર્ણ વધારો નોંધાયો છે. ગુજરાત એ માત્ર ભારતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું એક અનોખું રાજ્ય છે જ્યાં માર્જાર કુળ (Big Cats) ની વિશેષ પ્રજાતિઓનો અદ્ભુત વસવાટ જોવા મળે છે. ગુજરાતનું નામ લેતાં જ 'એશિયાઈ સિંહ' યાદ આવે, પણ તેના સિવાય પણ ગુજરાતમાં બિગ કેટસનું સમૃદ્ધ વૈવિધ્ય છે.

એશિયાટિક સિંહનો મુખ્ય ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બરડા ડુંગર પોરબંદર સુધી જોવા મળે છે. એશિયાઈ સિંહ એ આફ્રિકન સિંહ કરતાં કદમાં થોડા નાના હોય છે અને તેમની પેટ પર ચામડીની એક ખાસ ઘડી (Skin Fold) જોવા મળે છે. સ્થાનિક માલધારીઓ અને વન વિભાગના સહિયારા પ્રયાસો તેમજ 'સહઅસ્તિત્વ' ની ભાવનાને કારણે સિંહોની વસ્તીમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે ૮૯૧ જેટલા એશિયાટિક સિંહો છે.

રોયલ બંગાળ ટાઈગર (Royal Bengal Tiger) : ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, જે જંગલના વૈભવનું પ્રતીક છે. ઐતિહાસિક રીતે ગુજરાતના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જંગલો જેમ કે ડાંગ, પંચમહાલમાં વાઘ મુક્તપણે વિચરતા હતા. ૧૯૮૦ ૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા હોવાનું માનવામાં આવતું હતું.

તાજેતરમાં દાહોદ જિલ્લામાં તા.૨૨/0૨/૨૦૨૬ ના રોજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી ભટકીને આવેલો એક વાઘ કેમેરા ટ્રેપમાં કેપ્ચર થયો હતો. જોકે, ગુજરાતમાં વાઘની કોઈ કાયમી કે સ્થિર વસ્તી (Resident Population) હાલ નથી. ત્રણ દાયકા પછી એક વાઘ ગુજરાતમાં દેખાણો છે. અત્યારે વાઘની વસ્તી 36૮૨ છે.

દીપડો (Leopard) : વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકતું પ્રાણી, જે અવારનવાર માનવ વસાહતોની નજીક પણ જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતું અને રાજ્યના લગભગ તમામ જંગલ વિસ્તારોમાં અનુકૂલન સાધી ચૂકેલું બિગ કેટ એટલે દીપડો. તેનો મુખ્ય વિસ્તાર ગીર, ડાંગના ઘાટા જંગલો, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના ડુંગરાળ વિસ્તારોમાં છે.

દીપડો એ ઝાડ પર ચડવામાં અને કોઈપણ વાતાવરણમાં સેટ થવામાં એક્સપર્ટ હોય છે. દીપડાનું માનવો સાથે સહઅસ્તિત્વ ખાસ શકય બનતું નથી. ઘણીવાર જંગલની સીમાઓ નજીક ખેતરો અને સીમ વિસ્તારમાં પણ દીપડાની હાજરી જોવા મળે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં જાગૃતિ ખૂબ જરૂરી બને છે. ભારતમાં અંદાજે 13874 દીપડા છે અને ગુજરાતમાં 2274 દીપડા છે.

બ્લેક પેન્થર એ કોઈ અલગ પ્રજાતિ નથી, પરંતુ સામાન્ય દીપડામાં જ જનીનીય ફેરફાર (Melanism) ને કારણે કાળો રંગ ધરાવતો દીપડો છે. ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારીના ઘાટા જંગલ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક બ્લેક પેન્થર જોવા મળ્યાના કિસ્સા નોંધાયા છે. વર્ષ ૨૦૨૧ ના માર્ચ મહિનામાં નર્મદા જિલ્લાના જંગલોમાં બ્લેક પેન્થર જોવા મળ્યો હતો. અત્યારે ૧૫૪૦ જેટલા બ્લેક પેન્થર ભારતમાં છે.

હીમ દીપડો (Snow Leopard) : હિમાલયની પર્વતમાળાઓમાં હીમ દીપડા જોવા મળે છે. આ પ્રાણી હિમાલયના ઉચ્ચ આલ્પાઇન અને સબઆલ્પાઇન ઝોનમાં રહે છે. ભારતના લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. હીમ દીપડાની વસ્તી અત્યારે ૭૧૮ છે.

ચિત્તા (cheetah) : પ્રોજેક્ટ ચિત્તા હેઠળ દેશમાં ચિત્તાનું પુનઃઆગમન ભારતની જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવે છે. ભારતની સક્રિયપણે ચિત્તાઓની વસ્તી મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન અને ગાંધી સાગર વન્યજીવન અભયારણ્યમાં જોવા મળે છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આગામી મુખ્ય સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર તરીકે કચ્છમાં બન્ની ઘાસના મેદાનોને અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૧૯૫૨ માં ભારત અને ગુજરાતમાં લુપ્ત જાહેર કરાયેલી આ પ્રજાતિ તારીખ 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ શરૂ કરાયેલ આંતરખંડીય સ્થાનાંતરણ પ્રોજેક્ટ દ્વારા પાછી આવી હતી. ભુજ જિલ્લા નજીક તેને સૂકા વિસ્તારોમાં રાખવા માટે ચિત્તાના નવા વંશને કેન્યા આફ્રિકાથી લાવવાની યોજનાઓ ચાલી રહી છે. ભારતમાં અત્યારે ૩૩ જેટલા ચિત્તા છે. આ બધા જ આફ્રિકન ચિત્તાની પ્રજાતિ છે. એશિયાટિક ચિત્તા અત્યારે ઈરાન દેશમાં 27 જ છે.

1 પ્રોજેક્ટ લાયન (Project Lion) :એશિયાઈ સિંહોના સંરક્ષણ, તેમના સ્વાસ્થ્ય અને તેમના વસવાટના વિસ્તાર (Habitat Expansion) માટે કમ્પ્યુટર-આધારિત મોનિટરિંગ અને રેસ્ક્યુ વાહનો સાથેનો આધુનિક પ્રોજેક્ટ.

2 બરડા અભયારણ્ય (Barda Wildlife Sanctuary) : ગીર પરનું ભારણ ઘટાડવા અને સિંહોને નવું સુરક્ષિત ઘર આપવા માટે પોરબંદર નજીકના બરડા અભયારણ્યને 'સેકન્ડ હોમ' તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

પર્યાવરણ માટે બિગ કેટસ શા માટે જરૂરી છે?

બિગ કેટસને 'અંબ્રેલા સ્પીસીસ' (Umbrella Species) ગણવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જો આપણે આ મોટા પ્રાણીઓને બચાવીએ છીએ, તો તેની સાથે જંગલના નાના જીવો, વનસ્પતિ અને નદીઓનું રક્ષણ આપોઆપ થઈ જાય છે.

1. ખોરાક શૃંખલાનું સંતુલન : બિગ કેટસ શાકાહારી પ્રાણીઓની વસ્તીને નિયંત્રણમાં રાખે છે, જેનાથી જંગલોની વનસ્પતિ જળવાઈ રહે છે.

2. જળ અને વાયુ સુરક્ષા : જંગલો સુરક્ષિત રહેશે તો જ વરસાદ અને શુદ્ધ હવાની ખાતરી મળશે. બિગ કેટસનું સંરક્ષણ આડકતરી રીતે આખા જંગલનું જતન કરે છે.

3. ઇકો-ટૂરિઝમ અને સ્થાનિક રોજગારી : વન્યજીવ પ્રવાસનથી સ્થાનિક લોકોને રોજગારીની વિશાળ તકો પ્રાપ્ત થાય છે.

માનવી અને વન્યજીવ સહઅસ્તિત્વ : બદલાતા સમયની માંગ :

વધતી જતી વસ્તી અને સીમાઓ વચ્ચે વન્યજીવો અને માનવીઓ સામસામે આવી જવાની ઘટનાઓ બને છે. આ સંઘર્ષને ઘટાડવા માટે 'સહઅસ્તિત્વ' (Co-existence) ની ભાવના કેળવવી અત્યંત જરૂરી છે.

યાદ રાખવા જેવી બાબતો :

1. જંગલ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે સાવચેતી રાખવી.

2. વન્યજીવ દેખાય ત્યારે ભયભીત થયા વગર અથવા તેમને ખલેલ પહોંચાડ્યા વગર સુરક્ષિત અંતર જાળવવું.

3. વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગની હેલ્પલાઈન અને દિશા-નિર્દેશોનું પાલન કરવું.

જનજાગૃતિ સાથે આપની સહયારી ફરજ ::

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 'પ્રોજેક્ટ લાયન' અને 'પ્રોજેક્ટ ટાઈગર' જેવા અનેક મહત્વાકાંક્ષી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ યોજનાઓની સાચી સફળતા જનભાગીદારીમાં રહેલી છે.

1. સ્થાનિક સમુદાયોનો સહયોગ : જૂનાગઢના ગીરના માલધારીઓ અને સ્થાનિક લોકોનું સિંહો પ્રત્યેનું પ્રેમ અને સહઅસ્તિત્વનું ઉદાહરણ આખી દુનિયા માટે મિસાલ છે.

2. યુવાનો અને વિદ્યાર્થીઓની ભૂમિકા : વન્યજીવ સંરક્ષણ વિષય પર શાળા-કોલેજોમાં જાગૃતિ ફેલાવવી અને કુદરત પ્રત્યે સંવેદનશીલતા કેળવવી.

બિગ કેટસ એ માત્ર જંગલના પ્રાણીઓ નથી, પણ આપણી પરિસ્થિતિકીય સમૃદ્ધિના પાયાના પથ્થર છે. આવનારી પેઢીઓને એક સંતુલિત અને લીલોછમ ગ્રહ ભેટ આપવા માટે આજે જ આ અદ્ભુત વન્યજીવોના જતનનો સંકલ્પ લઈએ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande