
સુરત, 28 જુલાઈ (હિ.સ.): સુરતના ઐતિહાસિક અને વ્યસ્ત ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં મંગળવારે એક કરૂણ દુર્ઘટના બની હતી. વર્ષો જૂના ગ્રાઉન્ડ પ્લસ એક માળના જર્જરિત મકાનનો પ્રથમ માળનો સ્લેબ અચાનક તૂટી પડતાં નીચે આવેલી મેડિકલ સ્ટોર સંપૂર્ણ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાના સમયે દુકાનમાં હાજર 75 વર્ષીય ભરતભાઈ હસમુખભાઈ દલાલ સ્લેબ અને પથ્થરો નીચે દબાઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા ભરતભાઈને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને સુરક્ષાના ભાગરૂપે આસપાસના અન્ય જોખમી મકાનો પણ ખાલી કરાવવામાં આવ્યા છે.
મૃતક ભરતભાઈ દલાલ અડાજણની શિવ શક્તિ રો હાઉસમાં, પરિવાર સાથે રહેતા હતા અને વર્ષોથી ભાગળ વિસ્તારમાં પોતાની મેડિકલ સ્ટોર ચલાવતા હતા. દુર્ઘટના તેમની જ માલિકીના જૂના મકાનમાં બની હતી. તેમની અચાનક વિદાયથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સ્થાનિક વેપારીઓમાં પણ ચિંતા અને દુઃખની લાગણી વ્યાપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે