
અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સામાન્યથી ભારે વરસાદને કારણે ભયજનક મકાનો પાડવાની ઘટનામાં વધારો થયો છે.આવી જ ઘટના શહેરના દરિયાપુરમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા એક 50 વર્ષના મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.
અમદાવાદ શહેરમાં પડી રહેલા સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે દરિયાપુર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. દરિયાપુર વિસ્તારના ડભગરવાડ વિસ્તારમાં આવેલા મન્સૂરી મહોલ્લામાં સોમવારે મોડી રાત્રે એક જર્જરિત ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતુ. જેના કાટમાળ નીચે બે લોકો દટાયા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, ઘટના સોમવારે મધરાતે લગભગ 12:30 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
આ દુર્ઘટના અંગે ફાયર અધિકારીએ જણાવ્યું કે, અમને રાત્રે 12:30 વાગ્યે કોલ મળ્યો હતો. અમારી ટીમે કાટમાળમાંથી આશરે 50 વર્ષીય મહિલાને તેમજ અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. મહિલા બેભાન હાલતમાં હતી. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ મકાન જૂનું છે અને જર્જિત હાલતમાં હતું. આની આસપાસ પણ ઘણાં મકાન જર્જરિત હાલતમાં છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે. આ કાટમાળ ઉઠાવવાની કામગીરી ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ધરાશાયી થયેલું મકાન ઘણાં સમયથી જર્જરિત હાલતમાં હતું. આ મકાન સહિત આસપાસના અન્ય જોખમી મકાનોને પણ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે તેમજ આસપાસના મકાનોની પણ સુરક્ષાની દૃષ્ટિએ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જૂના અને નબળા મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ