
પાટણ, 29 જુલાઈ (હિ.સ.) રાધનપુર સ્થિત નાયબ પોલીસ અધિક્ષક (DYSP) કચેરીમાં તપાસ અર્થે નિવેદન આપવા આવેલા પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ ફરજ પરના એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ રામુજી પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.
ફરિયાદ મુજબ, અગીચણા ગામના શંકર આયર અને તેમના પુત્ર લક્ષમણભાઈ નિવેદન નોંધાવવા આવ્યા હતા. તેમણે નિવેદન આપવાનો ઇનકાર કરી આત્મવિલોપનની ધમકી આપી હતી તેમજ કચેરીમાં ગાળો અને ધમકીઓ આપતા હોબાળો મચાવ્યો હતો.
એ.એસ.આઇ. ઘનશ્યામસિંહે બંનેને શાંત પાડી નિયમ મુજબ નિવેદન આપવા સમજાવતાં તેઓ ઉશ્કેરાયા હતા. આ દરમિયાન લક્ષમણભાઈએ એ.એસ.આઇ.નો કોલર પકડ્યો, જ્યારે શંકરભાઈએ ગળું દબાવી દીવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ભરતભાઈ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પોલીસ કર્મચારીઓ તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કચેરીમાં હાજર અન્ય કર્મચારીઓ વચ્ચે પડતા એ.એસ.આઇ.ને બચાવી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ રાજ્યસેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1), 221, 132, 224, 351(3), 296(B), 61(2) તેમજ જી.પી. એક્ટની કલમ 110 અને 117 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ