
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના એક નવરાત્રી સંચાલક અને યૂટ્યુબર સંજયભાઈ ચેતરીયા સામે વધુ એક ગુનો નોંધાતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ નવરાત્રીના આયોજનમાં નાણાંકીય ગોટાળા કરી ચીટિંગ કરવાનો તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાના બે અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોરબંદરની મંડપ સર્વિસના સંચાલક પાસેથી ભાડાની રકમ નહીં ચૂકવી, બાઉન્સ થયેલો ચેક આપવાનો અને બાદમાં ધાકધમકી આપી રૂપિયા 25 હજાર પડાવ્યાનો વધુ એક ગુનો નોંધાતા આ સમગ્ર પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.
ફરિયાદ મુજબ પોરબંદરના ડાયાભાઈ સાજણભાઈ રબારી છેલ્લા 25 વર્ષથી શ્રી બાલવી મંડપ સર્વિસ ચલાવે છે. વર્ષ 2018માં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે યોજાયેલા ભાગવત સપ્તાહ દરમિયાન સંજયભાઈ ચેતરીયા સાથે તેમની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ સંજયભાઈએ જામનગરમાં યોજાતી પોતાની આદ્યશક્તિ ગરબી માટે વર્ષ 2018થી 2022 દરમિયાન દર વર્ષે તેમની મંડપ સર્વિસનો સામાન ભાડે લીધો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં આશીર્વાદ ક્લબ ખાતે યોજાયેલી નવરાત્રીમાં આઠ દિવસ માટે મંડપ સર્વિસનો સામાન આપવામાં આવ્યો હતો, જેના બદલામાં રૂપિયા 6 લાખ ચૂકવવાના હતા. જોકે રકમ ચૂકવવાને બદલે સંજય ચેતરીયાએ રૂપિયા 5.50 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ ખાતામાં પૂરતી રકમ ન હોવાથી ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ કાનૂની નોટિસ આપતાં સંજય ચેતરીયાએ પોતાની ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા પર ખોટા વીડિયો બનાવી બદનામ કરવાની તથા ધંધો બરબાદ કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આગળ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2025 દરમિયાન આર.ટી.વી. (રજવાડું પાર્ટી પ્લોટ) ખાતે યોજાયેલી અન્ય ગરબી દરમિયાન સંજય ચેતરીયાએ ફરિયાદીને રોકી ચેક બેન્કમાં કેમ રજૂ કર્યો તે બાબતે ધમકાવ્યો હતો, અને ગરબીમાં કામ ચાલુ રાખવું હોય તો રૂપિયા આપવા પડશે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા 25 હજાર પડાવી લીધા હતા.
આ ફરિયાદના આધારે પોલીસે સંજયભાઈ ચેતરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ પણ નવરાત્રીના આયોજન સંદર્ભે નાણાંકીય ગોટાળા અને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખંડણી માંગવાના બે અલગ-અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે નોંધાયેલો આ ત્રીજો ગુનો સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt