
ભાવનગર, 29 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતાં કેળાના બજારમાં તેજી જોવા મળી રહી છે. બજારમાં માંગ વધતા કેળાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કેળા ઉત્પાદક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનુકૂળ હવામાન, યોગ્ય માવજત અને સારી ગુણવત્તાના ઉત્પાદનને કારણે ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ગયા વર્ષે કેળાના ભાવ પ્રતિ મણ રૂ. 80થી 200 વચ્ચે રહેતા હતા, જેના કારણે ઉત્પાદન ખર્ચની સરખામણીએ નફો ઓછો મળતો હતો. જ્યારે આ વર્ષે બજારમાં પ્રતિ મણ રૂ. 300થી 350 સુધીના ભાવ મળી રહ્યા છે અને સારી ગુણવત્તાના કેળાને તેનાથી પણ વધુ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન વ્રત-ઉપવાસને કારણે કેળાની માંગ વધતી હોવાથી આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂત દેસાઈ તુષાર જગદીશભાઈએ જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી કેળાની ખેતી કરી રહ્યા છે. યોગ્ય સિંચાઈ, નિયમિત જાળવણી અને અનુકૂળ હવામાનના કારણે આ વર્ષે સારું ઉત્પાદન મળ્યું છે. હાલ મળતા સારા ભાવથી ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે અને શ્રાવણ દરમિયાન ભાવ વધુ વધવાની આશા છે.
ખેડૂત વિનુભાઈ સોલંકીએ જણાવ્યું કે વર્ષોથી કેળાની ખેતીમાં સતત મહેનત અને યોગ્ય સંભાળના કારણે ઉત્તમ ગુણવત્તાનું ઉત્પાદન મળી રહ્યું છે. આ વર્ષે બજારમાં સારો પ્રતિસાદ અને ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. જો બજારનો માહોલ અને હવામાન અનુકૂળ રહેશે તો કેળાની આ સિઝન ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA