

શામળાજી/ગાંધીનગર,29 જુલાઇ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શામળાજી મંદિરે દર્શન, પૂજન-અર્ચન કરી રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ ગુરુપૂર્ણિમાની સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે.
શામળાજી મંદિર અરવલ્લી જિલ્લાનું પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાન છે. શામળાજી ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપને સમર્પિત છે અને આદિવાસી સમુદાયમાં કાળિયો દેવ તરીકે પણ પૂજાય છે. ગુરુપૂર્ણિમાના આ પવિત્ર દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી સમગ્ર ક્ષેત્રમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો.
શામળાજી ખાતે દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ, રાજ્યમંત્રી પી.સી. બરંડા, જિલ્લાના પદાધિકારીઓ સહિતના રાજકીય -સામાજિક અગ્રણીઓ, જિલ્લા કલેકટર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન સહિત જિલ્લાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે.
ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી ભક્તોને વિશેષ પુણ્ય અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ હજારો ભક્તોની ભીડ ઉમટી હતી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભગવાનને વિશેષ શણગાર સાથે સજાવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ