
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ઉંટડા ગામમાં આશરે 18.60 લાખ કિંમતની ખેતીની જમીન પર ગેરકાયદે કબજો કરી જમીન પચાવી પાડવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે જુનાગઢમાં રહેતા વૃદ્ધ ખેડૂત નાથાભાઈ ભુરાભાઈ પરમાર (બળેજા)એ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદી નાથાભાઈ ભુરાભાઈ પરમાર, હાલ શિવમ-22, મધુરમ આકાશગંગા સોસાયટી, વંથલી રોડ, જુનાગઢ ખાતે રહે છે અને મૂળ બળેજા ગામના વતની છે. તેમની માલિકીની ઉંટડા ગામની ઉપલી કાદીમાં આવેલી ખેડ ખાતા નં. 289 અને સર્વે નં. 377 ધરાવતી કુલ 2-02-34 હેક્ટરઆર-ચોરસ મીટર વિસ્તારની ખેતીની જમીન, જેની જંત્રી મુજબ અંદાજિત કિંમત ₹18.60 લાખ થાય છે, તેના પર આરોપીઓએ કોઈ કાયદેસર હક કે અધિકાર વિના અનધિકૃત રીતે કબજો કરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ માત્ર જમીન પર કબજો જ કર્યો નહોતો, પરંતુ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ વિરોધ નોંધાવતા આરોપીઓએ તેમને મનફાવે તેમ અપશબ્દો બોલ્યા હતા તેમજ એકબીજાની મદદગારી કરીને ગેરકાયદેસર કૃત્યને અંજામ આપ્યો હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.
આ મામલે પોલીસે કાના વીસાભાઈ પરમાર, ભીનીબેન કાનાભાઈ પરમાર અને ચિરાગ કાનાભાઈ પરમાર, રહે. ઉંટડા ગામ (વાડી વિસ્તાર) સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. જમીનના દસ્તાવેજો, માલિકી હક્ક તેમજ કબજાને લગતા તમામ પાસાઓની તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya