


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને તથા મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મોનસૂન–2026ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મેયર સાગરભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અગાઉના ચોમાસા દરમિયાન વિવિધ સંસ્થાઓએ પૂર, ભારે વરસાદ અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિમાં ફૂડ પેકેટ વિતરણ તેમજ બચાવ અને રાહત કામગીરીમાં નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. આ વર્ષે પણ એ જ ભાવનાથી મહાનગરપાલિકાને સહયોગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સૌના સંયુક્ત પ્રયાસો જરૂરી હોવાનું જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિએ ચોમાસાની ઋતુ દરમિયાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તેમજ જાહેર પ્લોટોમાં પણ વૃક્ષોનું વાવેતર કરવા સંસ્થાઓને અપીલ કરી હતી. ઉપરાંત ઘરેથી કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ, ભીના અને સૂકા કચરાના અલગ સંગ્રહ તથા સ્વચ્છતા અભિયાનમાં મહાનગરપાલિકાને સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. બેઠક દરમિયાન અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે થયેલી બદલી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોરબંદરમાં કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે કરેલી કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોનસૂન દરમિયાન મહાનગરપાલિકા સાથે સંકલન જાળવી રાખી આપત્તિ સમયે જરૂરી તમામ પ્રકારની મદદ માટે ખડેપગે રહેવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, હર્ષ પટેલ તથા વિવિધ સામાજિક અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya