
- લાઇસન્સ વગર વિદ્યાર્થી આવશે તો સ્કૂલો સામે કાર્યવાહી થશે.
અમદાવાદ, 29 જુલાઇ (હિ.સ.) : શહેરમાં સગીર વિદ્યાર્થીના અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. હજી બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર અકસ્માતના ભયાનક CCTV સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે જતા મોપેડ સવાર સગીર વયના ભાઈ-બહેન સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયા હતા. જે બાદ નીચે પટકાયા હતા.
આ ઘટનામાં ભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બહેનને ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ભાઈ-બહેન નીચે પટકાયા બાદ મોપેડ 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું.
જેના કારણે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને અવેર કરવા માટે કાર્યક્રમ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે. એક અઠવાડિયામાં કાર્યક્રમ કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને રોડ સેફટીના નિયમો અંગે માહિતગાર કરવામાં આવશે. તેમજ લાઇસન્સ વગર વ્હીકલ લઈને શાળાએ આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા પણ શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી સગીરના અકસ્માતની ઘટના વધતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પણ શાળા સંચાલકોને લાઇસન્સ વગર વ્હીકલ લઈને આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ ન કરવા દેવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેનું પાલન થતું નથી અને લાઇસન્સ વગર વ્હીકલ ચલાવી વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે. તેમજ ટ્યુશન જવા માટે લાઇસન્સ વગર વ્હીકલ લઈને નીકળતા હોય છે.
જેથી રોડ સેફટીના નિયમોને લઈને વિદ્યાર્થીઓ અવેર કરવા માટે આગામી 7 દિવસમાં તમામ શાળાઓમાં અવેરનેશ કાર્યક્રમ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ લાઇસન્સ ન હોય તેવા બાળકોને વ્હીકલ આપવાથી કેવા પ્રકારના દંડ અને કાર્યવાહી વ્હીકલ માલિક સામે થઈ શકે છે તેને લઈને વાલીઓને માહિતગાર કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.
તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને લાઇસન્સ વગર વ્હીકલ લઈને શાળાએ આવશે તો શાળા સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરની શાળાઓના બાળકો લાયસન્સ વગર વ્હીકલ ચલાવતા હોય છે તે બાબત ધ્યાને આવી છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. જેથી વિદ્યાર્થીઓને રોડ સેફટીના નિયમો અંગે અવેર કરવા એક અઠવાડિયામાં કાર્યક્રમ કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.
રોડ સેફ્ટીના નિષ્ણાત અને આરટીઓ અધિકારીઓને બોલાવીને વિદ્યાર્થીઓને અવેર કરવા શાળાઓને સૂચન કરાયું છે. તેમજ લાઇસન્સ વગર વ્હીકલ ચલાવવું તેને લઈને દંડનીય જોગવાઈઓ વિશે પણ માહિતીગાર કરવા શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે. તેમજ વાલીઓને અવેર કરવાના ભાગરૂપે શાળાઓને સૂચિત કરવામાં આવશે.
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમજ શાળાઓ દ્વારા વાલીઓને સૂચિત કરવામાં આવે કે કોઈપણ વિદ્યાર્થી લાઇસન્સ વગર શાળાએ લઈને આવી શકશે નહીં. તેમજ જો લઈને આવશે તો તેને પ્રવેશ કરવામાં દેવામાં આવશે નહીં જેવી સ્પષ્ટ સૂચના વાલીઓને શાળા તરફથી આપવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે અકસ્માતની ઘટના બન્યા બાદ પાછળથી ખૂબ જ પસ્તાવો થતો હોય છે.
ઘણી વખત લાઇસન્સ ન હોવા છતાં વાલીઓ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર આપવામાં આવતા હોય છે. જેથી લાઇસન્સ વગર વ્હીકલ ચલાવે તે કાયદા વિરુદ્ધ છે. તેમજ RTO અને ટ્રાફિક પોલીસ સાથે ચેકિંગ પણ કરવામાં આવશે. જો ચેકિંગ કોઈ વિદ્યાર્થી લાઇસન્સ વગર વ્હીકલ લઈને આવશે અને શાળા દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ