પોરબંદર મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિને લાગણીસભર વિદાય
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની તાજેતરમાં અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતાં મહાનગરપાલિકા પરિવાર દ્વારા તેમને લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા વિદા
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને લાગણીસભર વિદાય.


પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને લાગણીસભર વિદાય.


પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને લાગણીસભર વિદાય.


પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને લાગણીસભર વિદાય.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિની તાજેતરમાં અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતાં મહાનગરપાલિકા પરિવાર દ્વારા તેમને લાગણીસભર વિદાય આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા વિદાય સમારોહમાં મેયર સાગર મોદીની ઉપસ્થિતિમાં અધિકારીઓ, કર્મચારીઓ અને કોર્પોરેટરોએ તેમના કાર્યકાળને યાદગાર ગણાવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

એચ.જે. પ્રજાપતિએ રાજ્ય સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં પોતાની કાર્યક્ષમતા અને વહીવટી કુશળતાનો પરિચય આપ્યો છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) વિભાગ, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, આર.એ.સી. કલેક્ટર કચેરી–પાટણ સહિત વિવિધ જવાબદાર પદો પર સફળતાપૂર્વક ફરજ બજાવ્યા બાદ તેમણે 1 જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પોતાના ટૂંકા પરંતુ અસરકારક કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી અનેક મહત્વાકાંક્ષી યોજનાઓને ગતિ આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ અટલ ઉદ્યાન, કનકાઈ ગાર્ડન અને નાગાર્જુન સિસોદિયા ગાર્ડન જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હેરિટેજ સ્ટેટ લાઈબ્રેરી, ન્યુ લાઈબ્રેરી, છાયા અને બિરલા પમ્પિંગ સ્ટેશન, એમ.ઈ.એમ. સ્કૂલ, ખાપટ વોર્ડ ઓફિસ, પેરેડાઈઝ મ્યુઝિકલ ફુવારો તથા કમલાબાગ ગાર્ડન જેવા અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના આધુનિકીકરણ, નાગરિક સુવિધાઓમાં વધારો, જાહેર બગીચાઓના વિકાસ, સ્વચ્છતા વ્યવસ્થાના સશક્તિકરણ, વરસાદી પાણીના નિકાલની કામગીરી, માર્ગો તથા સ્ટ્રીટલાઈટ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે તેમણે સતત પ્રયાસો કર્યા હતા. દરેક વિકાસકામમાં ગુણવત્તા, સમયબદ્ધતા અને પારદર્શિતાને પ્રાથમિકતા આપવાના તેમના અભિગમના કારણે અનેક યોજનાઓને ઝડપી ગતિ મળી હતી.

મેયર સાગર મોદીએ કમિશનરને વિદાયમાન આપી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન કરતા હિતેશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે એચ.જે. પ્રજાપતિએ એક કાર્યકુશળ, દુરંદેશી અને પરિણામલક્ષી અધિકારી તરીકે મહાનગરપાલિકાની કામગીરીને નવી દિશા આપી છે. તેમણે હંમેશા નાગરિક હિતને સર્વોચ્ચ સ્થાન આપીને વિકાસલક્ષી નિર્ણયો લીધા છે. શહેરના વિકાસ માટે તેમની દૃઢ ઇચ્છાશક્તિ, આયોજનબદ્ધ કામગીરી અને ટીમવર્કની ભાવનાના કારણે પોરબંદરને અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યોની ભેટ મળી છે, જેને શહેરવાસીઓ લાંબા સમય સુધી યાદ રાખશે. તેવું જણાવી વધુમાં એસ્ટેટ ઇન્ચાર્જ હિતેશભાઈ ગોરસીયાએ ઉમેર્યું હતું કે, કમિશનર એચ.જે. પ્રજાપતિનો મૃદુ સ્વભાવ, કર્મચારીઓ પ્રત્યેનું સહાનુભૂતિપૂર્ણ વલણ અને વહીવટી કુશળતા સૌ માટે પ્રેરણારૂપ રહી છે. તેઓ માત્ર કચેરી પૂરતા મર્યાદિત રહેતા નહોતા, પરંતુ દરેક વિકાસકામનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરતા, પડતી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવતા અને વ્યવહારિક અભિગમથી કામગીરીને ગતિ આપતા હતા. અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સુમેળભર્યો સંબંધ જાળવી તેમણે ટીમવર્કને મજબૂત બનાવ્યું હતું, જેના કારણે વિકાસકામોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન નાયબ કમિશનર હર્ષ પટેલ, મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, ચીફ ઓડિટર નિરજ કોડીયાતર, હિસાબી અધિકારી નીતિનભાઈ દેવરીયા સહિતના અધિકારીઓએ એચ.જે. પ્રજાપતિ સાથેના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની સરળતા, કાર્યનિષ્ઠા, સમયસર નિર્ણય લેવાની ક્ષમતા તેમજ વિકાસલક્ષી દૃષ્ટિકોણની પ્રશંસા કરી હતી. અંતે મહાનગરપાલિકા પરિવાર દ્વારા પુષ્પહાર, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, કોર્પોરેટરોએ તેમને અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને પોરબંદર શહેરના વિકાસમાં આપેલા તેમના અમૂલ્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande