પ્રાકૃતિક કૃષિ માટે ગાયનું છાણ એ પોષકતત્વોની ખાણ : કૃષિ તજજ્ઞ પૂજાબહેન નકૂમ
ગીર સોમનાથ, 29 જુલાઈ (હિ.સ.) : રાસાયણિક ખેતીના કારણે ઊભા થતા પડકારો સામે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરુરિયાત છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપ્સા તથા પ્રાકૃતિક જંતુનાશક અસ્ત્રો જેવા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામ
પ્રાકૃતિક કૃષિ માટે ગાયનું છાણ એ પોષકતત્વોની ખાણ


ગીર સોમનાથ, 29 જુલાઈ (હિ.સ.) : રાસાયણિક ખેતીના કારણે ઊભા થતા પડકારો સામે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરુરિયાત છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપ્સા તથા પ્રાકૃતિક જંતુનાશક અસ્ત્રો જેવા પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો થકી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યાં છે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફરજ બજાવતા પૂજાબહેન નકૂમે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પોતાના અનુભવો વ્યક્ત કર્યાં હતાં. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજની પરિસ્થિતિમાં માનવ સ્વાસ્થ્ય અને જમીન સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ સૌથી અગત્યની છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક છે. પ્રાકૃતિક ખેતી કરવી હશે તો પશુપાલનને પણ મહત્વ આપવું પડશે. ગાયનું છાણ એ પોષકતત્વોની ખાણ છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવવી હશે તો ગાયનું સંવર્ધન વધે એ દિશામાં પણ કામગીરી કરવી પડશે. ગાયના છાણમાં અનેક તત્વો હોય છે. જે પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે મહત્વના પરિબળ બને છે.

કુદરતી ખેતીમાં જીવામૃત સસ્તું અને અસરકારક ખાતર માનવામાં આવે છે. આ ખાતર દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, દાળના લોટ અને માટીમાંથી બને છે. તેનું પ્રવાહી રૂપ જીવામૃત કહેવાય છે જ્યારે તેનું સૂકું અને ઘન રૂપ ઘન જીવામૃત કહેવાય છે. આ બંને ખાતરો રાસાયણિક ખાતરોની જગ્યાએ વપરાય છે અને જમીનને જીવંત તેમજ ફળદ્રુપ બનાવે છે.

દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં રહેલા લાભદાયક જીવાણુઓ જીવામૃતની અસરકારકતાનો મુખ્ય આધાર છે. ગોળ અને દાળના લોટ આ જીવાણુઓને ખોરાક પૂરો પાડે છે જ્યારે માટી જમીનના સૂક્ષ્મજીવોને વધુ સક્રિય બનાવે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રની માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, કે.વી.કે. કોડિનાર દ્વારા અવારનવાર જિલ્લાના ખેડૂતોને કૃષિલક્ષી તાલિમ આપવામાં આવતી હોય છે. વિષય નિષ્ણાંતો દ્વારા યૂ ટ્યૂબના માધ્યમથી તેમજ સેમિનારના માધ્યમથી પણ ખેડૂતો સુધી કૃષિલક્ષી જાણકારી પહોંચાડવામાં આવતી હોય છે.

કૃષિ વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અથવા કૃષિલક્ષી કોઈ સમસ્યા હોય અથવા માહિતી જોઈતી હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનારનો સંપર્ક કરવો તેમ તેમણે જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande