કદવાર ગામે કૂવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ, સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
ગીર સોમનાથ, 29 જુલાઈ (હિ.સ.) : ગીર વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે સતત સતર્ક રહેતા વન વિભાગે આજે વધુ એક સફળ બચાવ કામગીરી હાથ ધરી હતી. સુત્રાપાડા રાઉન્ડના લાટી બીટ હેઠળ આવેલા કદવાર ગામે મહેશ રણમલભાઈ વાજાની માલિકીની વાડીમાં આવેલા કૂવામાં એક નર દીપ
કદવાર ગામે કૂવામાં પડેલા દીપડાનું વન વિભાગ દ્વારા


ગીર સોમનાથ, 29 જુલાઈ (હિ.સ.) : ગીર વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે સતત સતર્ક રહેતા વન વિભાગે આજે વધુ એક સફળ બચાવ કામગીરી હાથ ધરી હતી. સુત્રાપાડા રાઉન્ડના લાટી બીટ હેઠળ આવેલા કદવાર ગામે મહેશ રણમલભાઈ વાજાની માલિકીની વાડીમાં આવેલા કૂવામાં એક નર દીપડો પડી જવાની ઘટના સામે આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી હતી.

મળતી માહિતી મુજબ અંદાજે 3 થી 5 વર્ષનો નર દીપડો કૂવામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા રાઉન્ડનો સમગ્ર સ્ટાફ જરૂરી બચાવ સાધનો સાથે સ્થળ પર પહોંચ્યો હતો. દીપડાને કોઈ ઇજા ન પહોંચે તેમજ સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટે વન વિભાગે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

લાંબા સમયની જહેમત બાદ દીપડાને સફળતાપૂર્વક કૂવામાંથી બહાર કાઢી પાંજરામાં સુરક્ષિત રીતે કબ્જે લેવામાં આવ્યો હતો. પ્રાથમિક નિરીક્ષણ બાદ વધુ આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર માટે તેને એનિમલ કેર સેન્ટર, અમરાપુર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોને સલામત અંતર જાળવવા તેમજ કોઈપણ પ્રકારની અફવા કે ગભરાટ ન ફેલાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામજનોએ પણ વન વિભાગની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વન્ય પ્રાણી રહેણાંક વિસ્તાર અથવા ખેતરોમાં દેખાય તો તેને હેરાન ન કરવું, નજીક જવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી, જેથી માનવજીવન અને વન્યજીવ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

સુત્રાપાડા રાઉન્ડના તમામ સ્ટાફની સતર્કતા, સમયસરની કામગીરી અને સંકલિત પ્રયાસોના કારણે દીપડાનું સફળ રેસ્ક્યૂ શક્ય બન્યું હતું. આ કામગીરી વન્યજીવ સંરક્ષણ પ્રત્યે વન વિભાગની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande