
પાટણ, 29 જુલાઈ (હિ.સ.) પાટણમાં ગુરુપૂર્ણિમા પર્વની અનોખી અને ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સદારામ લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ તથા ઠાકોર સમાજના આગેવાનોના સહયોગથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ સાથે લાઇબ્રેરી ખાતેથી નીકળેલી રેલી શહેરના ટી.બી. ત્રણ રસ્તા સ્થિત પૂજ્ય સદારામ બાપાની પ્રતિમા સુધી પહોંચી હતી.
રેલી પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સદારામ બાપાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સદારામ બાપાના ચરણોમાં શીશ નમાવી સમાજના સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં સદારામ લાઇબ્રેરીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌએ દર્શન-પૂજનનો લાભ લઈ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ