

ગાંધીનગર, 29 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તદુપરાંત તા. 29 અને 30 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વધુમાં, તા. 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને, 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો/ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરશ્રીએ સૂચના આપી છે.
ભારે પવન અને વરસાદના કોમ્બિનેશનથી થતા નુકસાનને અટકાવવા માર્ગ અને મકાન વિભાગને નગરપાલિકા/મહાનગરપાલિકાના હોર્ડિંગ્સ, બેનર્સ તથા જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક અસરથી હટાવવા સૂચના આપવામાં આવી છે.
કોઈપણ પ્રકારની વોર્નિંગ અને આપત્તિના મેસેજ નીચલા સ્તર સુધી, એટલે કે સામાન્ય માનવી અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. મોટાભાગે કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ વધુ પ્રભાવિત થતો હોવાથી તેમના રક્ષણ માટે એક્સ્ટ્રા કેર લેવામાં આવશે. તમામ વિભાગના અધિકારીઓ તાત્કાલિક કલેક્ટરશ્રીઓ સાથે બેઠક કરી પોતાના સાધનો અને ટીમોનું મેપિંગ કરી લે અને તુરંત એક્શન માટે તૈયાર રહે, તેમ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.
કમિશનર મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં વરસાદની અત્યંત વિષમ પેટર્ન જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે દ્વારકા બાજુ ઓછો વરસાદ છે, તો બીજી તરફ વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં અંદાજે 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ધોળકામાં માત્ર બે કલાકમાં 20 ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો હતો. આવી વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
રાહત કમિશનરએ NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મી દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી માટે તેમનો આભાર માનતા કહ્યું હતું કે, તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં હજારો નાગરિકોના જીવ બચાવી શકાયા છે. દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય તે પહેલાં જ અગાઉથી અંદાજે ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, તેમજ પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ