
ભાવનગર, 29 જુલાઈ (હિ.સ.) : વલ્લભીપુર તાલુકામાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોના વૈજ્ઞાનિક સંચાલન તેમજ સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશીએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ખેડૂતોને લાંબા ગાળે વધુ લાભ મળે છે. સાથે જ બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે પણ માહિતી આપી હતી.
નાયબ ખેતી નિયામક જે. એન. પરમારે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોની સમજ આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાંત પ્રદીપ કયાડાએ જમીન અને પાણીના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપતાં કુદરતી સંસાધનોના સંરક્ષણ અને કાર્યક્ષમ ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું.
નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. બી. વાઘમશીએ સંતુલિત ખાતર વ્યવસ્થાપન, પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટે ખાતરના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી હતી. ઉપરાંત એફ.એફ.એસ. (Fertilizer Front-end System) હેઠળ ખાતર વિતરણની નવી વ્યવસ્થા વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન વીઆરટીઆઈના નરેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજન વલ્લભીપુર તાલુકાના બાગાયત અધિકારી જે. એમ. વઘાસીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિબિરમાં હાજર ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે ઉપયોગી માહિતી મળી, જેનાથી ખેતીને વધુ નફાકારક અને ટકાઉ બનાવવામાં મદદ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA