

પાટણ, 29 જુલાઈ (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામના આંબેડકર નગર વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં. 3 ખાતે સર્જાયેલા વિવાદ બાદ ઇન્ચાર્જ બાળ વિકાસ અધિકારી હેતલ પટેલે સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. તાલુકા આંગણવાડી સુપરવાઇઝર જ્યોત્સના ચૌધરીને પંચો તથા બાળ વિકાસ કચેરીના સ્ટાફની હાજરીમાં સ્પષ્ટતા કરવા બોલાવવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન સુપરવાઇઝર જ્યોત્સના ચૌધરીએ લેખિતમાં માફીપત્ર આપી ભવિષ્યમાં આવી બેદરકારી નહીં થાય તેવી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હવેથી આંગણવાડી કાર્યકર દ્વારા કરાવવામાં આવતી તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બાળકોને આપવામાં આવતા સવાર અને બપોરના નાસ્તાની વિગતો વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં નિયમિત મૂકવામાં આવશે.
આ ઉપરાંત તેડાગર બહેન દ્વારા બાળકોને નિયમિત રીતે ઘરે લઈ જવા અને પરત મુકવાની જવાબદારી નિભાવવામાં આવશે તેમજ ગામના આગેવાનો અને બાળકોના વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ અને સભ્ય વર્તન રાખવામાં આવશે તેવી પણ લેખિત બાંહેધરી આપવામાં આવી હતી.
મામલા દરમિયાન લાલપુર ગામની આંગણવાડીનો ગેસ સિલિન્ડર ઘરે મુકવામાં આવતા વિવાદ સર્જાયો હોવાનું પણ સામે આવ્યું હતું, જેને લઈને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો હતો.
બેઠકમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન દ્વારા થયેલી ક્ષતિ અંગે ભરતીના નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. સાથે જ ભવિષ્યમાં આવી પ્રકારની બેદરકારી કે ગેરરીતિ ફરીથી સામે આવશે તો જવાબદાર સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાએ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને દેખરેખ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા પણ બાળકોને મળતી સેવાઓ પારદર્શક અને નિયમિત રહે તે માટે તંત્ર વધુ સક્રિય બને તેવી માંગ ઉઠી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ