
નવસારી, 29 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપીની જલાલપોર પોલીસે સફળતાપૂર્વક ધરપકડ કરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જલાલપોર વિસ્તારમાં મિત્રના ઘરે હાજર રહેલા આકાશ ઉર્ફે બચ્ચી નંદરાજ યાદવ જલાલપોરને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપી સામે વર્ષ 2024માં ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસ નોંધાયા બાદથી તે સતત પોલીસથી બચતો ફરતો હતો. ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી. રાઠોડના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે આ ઓપરેશનમાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે