
જુનાગઢ,29 જુલાઈ (હિ.સ.) સતત ભેજ અને હળવા વરસાદ સાથે નીકળતા આછા તડકાને કારણે પાકમાં ચૂસિયા જીવાતો જેવી કે થ્રિપ્સ, મોલો-મશી, તેમજ મૂળખાઈ, સુકારો જેવા ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ વધી શકે છે. તેથી ખેડૂતોએ તેમના પાકનું નિયમિત રીતે નિરીક્ષણ કરવું જોઈએ.
આગામી દિવસોમાં ખુબ જ હળવો વરસાદ હોવાથી જો પાકમાં રોગ-જીવાત જણાય તો ભલામણ કરેલ ફૂગનાશક કે જંતુનાશક દવાનો છંટકાવ સુરક્ષિત રીતે કરી શકાય છે. આ સાથે જ પાકની જરૂરિયાત મુજબ નાઇટ્રોજન/યુરિયા ખાતરનો પૂરક ડોઝ પણ આપી શકાય છે.
મગફળી અને સોયાબીન પાકમાં જીવાત નિયંત્રણ કઇ રીતે કરવું ??
કાતરા ઇયળનું નિયંત્રણ ::
• હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.
• ખેતરની આજુબાજુના શેઢા-પાળા સ્વચ્છ રાખવા જેથી જીવાતનો આશ્રયસ્થાન નાશ પામે.
• ખેતરની ફરતે શેઢા ઉપર કાતરાને અંદર આવતા અટકાવવા માટે ખાડી અથવા ખાઈ બનાવવી.
• લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ ૫% અર્ક ૧૦ લીટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી.
• કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વે.પા. ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈ.સી. ૬ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસ.જી. ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
પાન કોરીયાના નિયંત્રણ માટે ::
• એઝાડીરેકટીન 1500 પીપીએમ એટલે કે 40 મિલી /10 લીટર પાણીના બે છંટકાવ ક૨વા. જે પૈકી પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ 15 દિવસે ક૨વાની ભલામણ કરવામાં આવે છે.
• જો વધુ ઉપદ્રવ જણાય ત્યારે લેમડા-સાયહેલોથ્રિન ૫ ઈસી એટલે કે 5 મિ.લિ./10 લીટર પાણીના બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૫ દિવસે કરવો.
પીળો પંચરંગીયો રોગના નિયંત્રણ માટે ::
• શરૂઆતમાં એકલ દોકલ રોગીષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો.
• રોગનો ફેલાવો સફેદ માખી દ્વારા થતો હોઈ તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશકો જેવી કે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ મિસએલ ૩ મિ.લી. અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા એઝાડીરેકટીન ૪૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
કપાસ, મગ અને અડદના પાકમાં રોગ જીવાત નિયંત્રણ કઇ રીતે કરવું ??
મોલો-મશી, થ્રિપ્સ, સફેદ માખી, તડતડીયાનું નિયંત્રણ ::
• ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ/ ૫% અર્ક અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમા લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ જણાય ત્યારે ફ્લોનીકામિડ ૫૦% ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮૦% એસ.એલ. ૩ મિ.લી પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણી ભેળવી છંટકાવ કરવો.
મૂળખાઈ અને સુકારોનું નિયંત્રણ ::
• ઊભા પાકમાં રોગ જોવા મળે કે તરત જ મેન્કોઝેબ ૭૫ વેપા ૧૦ લીટરમાં ૨૭ ગ્રામ અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૦ લીટરમાં ૧૦ ગ્રામનું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુનાં ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેવા ખેડૂતો માટેની અલગથી માર્ગદર્શિકા ::
ઊંચા તાપમાન સાથે વાદળછાયું વાતાવરણના લીધે થ્રીપ્સની ઉપદ્રવ વધતો જોવા મળી શકે છે. તેના નિયંત્રણ માટે લીમડાના પાન ૫ કિલોગ્રામ + સીતાફળના પાન ૨ કિલોગ્રામ + નફટિયા અથવા ધતૂરાના પાન ૨ કિલોગ્રામ લઈને દેશી ગાયના ૧૦ લીટર ગૌમુત્રમાં નાખીને ૫ દિવસ સુધી રહેવા દેવા જોઈએ. ત્યારબાદ તેને પાણી ઉમેર્યા વગર ગાળીને મળેલા દ્રાવણનો પરિપક્વ અવસ્થાએ છંટકાવ કરવો અથવા ૨૦૦ લીટર પાણીમાં ૫ થી ૬ લીટર અગાઉથી તૈયાર કરેલ દશપર્ણી અર્ક થ્રીપ્સના નિયંત્રણ માટે પાક ઉપર વ્યવસ્થિત રીતે છાંટવું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ