


કચ્છ, 29 જુલાઈ (હિ.સ.) ભુજમાં વર્ષ 2023 દરમિયાન પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ઝડપાયેલા કરોડો રૂપિયાના હેરોઈન કેસમાં ભુજની વિશેષ એનડીપીએસ કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવ્યો છે. પંજાબથી અંદાજે ₹2.10 કરોડની કિંમતનું 420 ગ્રામ હેરોઈન કચ્છમાં વેચાણના ઈરાદે લાવનાર પાંચ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કરીને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ પ્રત્યેકને ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. નશાના વેપાર સામે કડક સંદેશ આપતો આ ચુકાદો કાયદા અમલીકરણ એજન્સીઓ માટે પણ નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ઘટના 13 જુલાઈ, 2023ના રોજ બની હતી. પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે માધાપર નજીક નળવાળા સર્કલ વિસ્તારમાં બ્રેઝા કારનો પીછો કર્યો હતો. આરોપીઓએ પોલીસથી બચવાનો પ્રયાસ કરતાં ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો અને આખરે કારના ટાયરોને નિશાન બનાવી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ વાહનને રોકવામાં આવ્યું હતું. સ્થળ પરથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે ભાગી છૂટેલા અન્ય બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને કસ્ટડીમાં લીધા હતા.
તપાસ દરમિયાન પશ્ચિમ કચ્છ એસઓજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વી. ભોલાએ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને મજબૂત પુરાવા એકત્ર કર્યા હતા. કોર્ટમાં 31 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ એનડીપીએસ કાયદાની વિવિધ જોગવાઈઓનો આધાર લઈને અસરકારક દલીલો રજૂ કરી હતી.
કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને બંને પક્ષની દલીલોના આધારે ત્રીજા અધિક સેશન્સ જજ તથા વિશેષ એનડીપીએસ કોર્ટના જજ વી.એ. બુદ્ધે પાંચેય આરોપીઓને એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતો પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેઓ હેરોઈન કચ્છમાં ઊંચા ભાવે વેચવાના હેતુથી આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ નોંધ્યું કે માત્ર અંગત આર્થિક લાભ માટે યુવાનોને નશાના ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય અત્યંત ગંભીર છે અને સમાજ પર તેની દૂરગામી અસર પડે છે. તેથી આવા ગુનાઓ સામે કડક વલણ જરૂરી હોવાનું અવલોકન કરીને કોર્ટે રણજીતસિંઘ જરગાનસિંઘ જાટ ,હરપ્રિતસિંઘ જસવિંદરારા સિંઘ જાટ,સરતાજસિંઘ ઉર્ફે સતરાજસિંઘ રસપાલસિંઘ જાટ ,દલેરસિંઘ જોગીન્દરસિંઘ જાટ ગુરબેજસિંઘ ઉર્ફે ભેજા સલવિન્દરસિંઘ જાટ ને ભુજ કોર્ટના ત્રીજા અધિક સેશન્સ જજ વી. એ. બુદ્ધ સાહેબની અદાલતે દોષિતોને આકરી સજા ફટકારી છે. આ કેસમાં કુલદીપસિંહ નામનો એક અન્ય આરોપી હજુ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસની કાર્યવાહી યથાવત્ ચાલુ હોવાનું જાણવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar