




કચ્છ, 29 જુલાઈ (હિ.સ.) : ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને સમાજસેવા સાથે જોડતા કચ્છના કુકમા ગામમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના આયોજન હેઠળ દાતાઓના સહયોગથી ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુથી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોને બારાખડી, સ્લેટ અને ચોકપેન જેવી અભ્યાસ માટે ઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી. સાથે જ સૌને પ્રેમપૂર્વક ખીર-પુરીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ હંસાબેન ચાવડાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. તેમની સાથે ટ્રસ્ટી ધનુબેન અતુલભાઈ મહેશ્વરી તેમજ સેવાભાવી મહિલાઓ વનિતાબેન મહેશ્વરી અને ભાવનાબેન મહેશ્વરી પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકો સાથે સમય વિતાવી તેમને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં મહેનત તથા સંઘર્ષના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમને સંબોધતા હંસાબેન ચાવડાએ જણાવ્યું હતું કે સમાજમાં ઉજવાતા જન્મદિવસ, લગ્નવાર્ષિકી, ધાર્મિક તહેવાર કે અન્ય શુભ પ્રસંગો માત્ર ઉજવણી પૂરતા સીમિત ન રહે, પરંતુ જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાનું પણ એક માધ્યમ બનવા જોઈએ. તેમણે અપીલ કરતાં કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના આસપાસના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ શિક્ષણ, પુસ્તકો, અભ્યાસ સામગ્રી કે અન્ય જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.
આ કાર્યક્રમે માત્ર શૈક્ષણિક સામગ્રીનું વિતરણ જ નહીં, પરંતુ સમાજમાં માનવતા, સેવા અને શિક્ષણ પ્રત્યેની જવાબદારીનો પણ સુંદર સંદેશ આપ્યો હતો. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે યોજાયેલી આ પહેલથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સ્થાનિકોમાં પણ આ પ્રકારના સેવાકાર્યની પ્રશંસા થઈ હતી અને ભવિષ્યમાં વધુ લોકો આવા સામાજિક કાર્યોમાં જોડાઈ સમાજના વંચિત વર્ગના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આગળ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar