
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ તરભ ખાતે બિરાજમાન ભગવાન વાળીનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે સમગ્ર જિલ્લા અને રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ વાળીનાથ ધામના ગાદીપતિ અને મહંત જયરામગીરીબાપુની મુલાકાત લઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુરુવંદના કરી આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મહંત જયરામગીરીબાપુ સાથેની મુલાકાત દરમિયાન મંદિરની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીશ્રીએ વાળીનાથ ધામમાં દર્શનાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
ગુરુપૂર્ણિમાના અવસરે વાળીનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ તમામ નાગરિકોને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી ગુરુના માર્ગદર્શનને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR