
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારના 'ટીબી મુક્ત ભારત અભિયાન'ને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં વિવિધ વિભાગોના વર્ગ-1 અધિકારીઓને લાયઝનીંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અંચુ વિલ્સનની અધ્યક્ષતામાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ટીબી ફોરમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રવિણ પટેલ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. હરેશ પટેલના આયોજન હેઠળ નિયુક્ત અધિકારીઓ પોતાના ફાળવેલા તાલુકામાં ટીબી વિરોધી કામગીરીનું નિયમિત માર્ગદર્શન, મોનીટરીંગ અને સમીક્ષા કરશે. તેઓ ટીબીના દર્દીઓની સમયસર શોધ, સારવાર, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને નિક્ષય પોષણ સહાય જેવી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે તેની દેખરેખ પણ રાખશે.
તાલુકાવાર જવાબદારી મુજબ મહેસાણા અને કડી માટે ઉર્વીશ વાળંદ, જોટાણા માટે પાયલબેન નાયક, બેચરાજી માટે બિપિનભાઈ પટેલ, વિસનગર માટે વિકાસ રાતડા, ઊંઝા માટે નિરવભાઈ પટેલ, વિજાપુર માટે શરદભાઈ ત્રિવેદી, ખેરાલુ માટે અમિતભાઈ ચૌધરી, વડનગર માટે બી.કે. રાઠોડ અને સતલાસણા માટે ડૉ. શ્રુતિ જૈનની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય તંત્રે તમામ વિભાગોના અધિકારીઓને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો છે. તંત્રનું માનવું છે કે વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો અને જનભાગીદારીથી મહેસાણા જિલ્લો ટીબી નાબૂદીના લક્ષ્યને સમયસર હાંસલ કરવામાં સફળ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR