
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)હારીજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ હાઈસ્કૂલોમાં ધોરણ 6થી 12ની કિશોરીઓના હિમોગ્લોબિન (HB) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ, CHO, FHW, MPW અને આશા બહેનો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
હારીજ, વાઘેલ, અડિયા, સાંકરા, દુનાવાડા સહિતની તમામ હાઈસ્કૂલોમાં ટેસ્ટ પૂર્ણ થયા બાદ હવે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
દુનાવાડા હાઈસ્કૂલમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલે તમાકુ, દારૂ સહિતના વ્યસનોથી થતા શારીરિક અને માનસિક નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ટીબી રોગથી બચવાના ઉપાયો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આચાર્ય, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ છેવાડાના ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ