

પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને જીવનમાર્ગના પ્રેરણાસ્ત્રોત તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મંત્રીએ શ્રી હરિ મંદિર ખાતે પૂજ્ય ભાઈ રમેશ ઓઝાના પાવન સાનિધ્યમાં યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહી તેમના પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો.
આ પ્રસંગે તેમણે ભાવપૂજન કરી પૂજ્ય ભાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર શહેરના શ્રી સત્યનારાયણ મંદિર, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, શ્રી રામનામ સંકીર્તન મંદિર તથા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરીને રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
તેમણે મંદિરના પૂજ્ય મહંતઓનું સન્માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ, સમાજમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી સૌને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ લક્કિરાજ વાળા, અગ્રણી સામત ઓડેદરા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya