
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. એક સપ્તાહ અગાઉ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો સારો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં આશા જાગી હતી. પરંતુ ત્યારબાદ વરસાદે અચાનક વિરામ લેતાં ખેતીના પાકો માટે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.છેલ્લા ચાર દિવસથી શહેર અને જિલ્લાના કોઈપણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. આજે સતત પાંચમા દિવસે પણ આકાશ ખુલ્લું રહ્યું હતું અને વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો. વરસાદના લાંબા વિરામના કારણે વાવેતર કરેલા પાકને પૂરતા ભેજનો અભાવ અનુભવાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.વરસાદના અભાવે જિલ્લાના મોટાભાગના નાના-મોટા જળાશયો અને ડેમોમાં હજુ સુધી નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. ચાલુ ચોમાસાની સિઝનમાં માત્ર જામજોધપુર તાલુકાના બે ડેમોમાં જ નવા નીરની આવક નોંધાઈ છે, જ્યારે જિલ્લાના અન્ય ડેમો હજુ પણ લગભગ ખાલી જેવી સ્થિતિમાં છે. પરિણામે આવનારા સમયમાં પીવાના પાણીની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શુક્રવારથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે જામનગર શહેર અને જિલ્લાના ખેડૂતો તેમજ નાગરિકોમાં ફરી આશા જાગી છે કે આગામી દિવસોમાં મેઘરાજા ફરી મહેરબાન બનશે અને ખેતી તેમજ જળાશયો માટે રાહતરૂપ વરસાદ વરસશે.હાલ સમગ્ર જિલ્લાની નજર આગામી વરસાદી રાઉન્ડ પર મંડાયેલી છે. ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને સમયસર વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt