
- ધોલેરા પંથકમાં ચારે તરફ જળબંબાકાર
અમદાવાદ, 29 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં 4 ઓગસ્ટ સુધી સાર્વત્રિક છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા છે. હાલ રાજ્ય પર અસર કરતી ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી 30 જુલાઈથી વરસાદની તીવ્રતા વધવાની અને 31 જુલાઈએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આજે સવારે છથી બપોરના બે વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ છે. તો મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે.
રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે એમાં ડીપ ડિપ્રેશન, મોનસુન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ આજે 29 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ 20થી 25 નોટ્સ રહેશે.
આવતીકાલે 30 જુલાઈથી એક ઑગસ્ટ સુધી માછીમારો માટે પણ વોર્નિંગ જાહેર કરાયું છે.
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય
આજે તો રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવતીકાલે 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે દ્વારા ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
31 જુલાઈએ તો રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, ભાવનગર સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ