
- મુસાફરોને Rahveer અને PM RAHAT યોજના અંગે અપાઈ માહિતી
ભાવનગર, 29 જુલાઈ (હિ.સ.) : ભાવનગર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરોને માર્ગ અકસ્માતો નિવારવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે માર્ગ સલામતી સંબંધિત વિવિધ નિયમો, સુરક્ષિત વાહન ચલાવવાની પદ્ધતિ, સીટ બેલ્ટ અને હેલ્મેટના ઉપયોગનું મહત્વ તેમજ માર્ગ પર સાવચેતી રાખવાના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક મદદ પહોંચાડવા માટેની Rahveer યોજના અને માર્ગ અકસ્માત પીડિતોને સમયસર સારવાર મળી રહે તે માટેની PM RAHAT યોજના વિશે પણ મુસાફરોને સમજ આપવામાં આવી હતી.માર્ગ અકસ્માતની સ્થિતિમાં ગભરાવાને બદલે તાત્કાલિક એમ્બ્યુલન્સ અને સંબંધિત સેવાઓનો સંપર્ક કરવો તેમજ ઇજાગ્રસ્તને ઝડપથી સારવાર મળે તે માટે સહયોગ આપવો ખૂબ જ જરૂરી છે. સમયસર મળતી સારવાર અનેક કિંમતી જિંદગીઓ બચાવી શકે છે.
આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા મુસાફરોને જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સુરક્ષિત મુસાફરી અપનાવવા અને અકસ્માત સમયે માનવતાના નાતે મદદ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી સલામત અને જવાબદાર માર્ગ વ્યવહાર અંગે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA