સૌરાષ્ટ્ર-કચ્છ હાઇકોર્ટ બેન્ચ માંગ તીવ્ર બની : જામનગર બાર એસો.નું કોર્ટ કાર્યવાહીથી અળગા રહી કલેક્ટરને આવેદન
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકોને પોતાના આંગણે સસ્તો, ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવા ઉમદા આશયથી જામનગર બાર એસોસિએશનના વકીલોએ 29 જુલાઈના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને સમગ્ર કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ
જામનગરમાં બાર એસો. નો વિરોધ


જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો નાગરિકોને પોતાના આંગણે સસ્તો, ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવા ઉમદા આશયથી જામનગર બાર એસોસિએશનના વકીલોએ 29 જુલાઈના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને સમગ્ર કોર્ટ કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ પુનઃ શરૂ કરવાની ન્યાયિક માંગ સાથે વકીલોએ એકજૂટ થઈ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આંદોલન કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ આમ જનતાની હાલાકી દૂર કરવા માટે શરૂ કરાયું છે.

વર્ષ 1960 સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના નાગરિકો માટે રાજકોટ ખાતે હાઇકોર્ટ કાર્યરત હતી, પરંતુ 1960 પછી આ મહત્વપૂર્ણ સુવિધા અચાનક બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્ય માટે માત્ર અમદાવાદ ખાતે જ એકમાત્ર હાઇકોર્ટ કાર્યરત રાખવામાં આવી છે. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવાએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ સુવિધા બંધ થવાથી સૌરાષ્ટ્રના પ્રજાજનોને દાયકાઓથી ન્યાય મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ઓખા તાલુકા કે સૌરાષ્ટ્ર-કચ્છના અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાંથી આવતા સામાન્ય તેમજ ગરીબ નાગરિકો માટે ન્યાયની આશાએ અમદાવાદ સુધી લંબાણ કરવું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થાય છે. સમયની માંગ અને પ્રજાહિતને સર્વોપરી રાખીને રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની પુનઃ સ્થાપના થાય તે અત્યંત જરૂરી છે. વકીલ મંડળે સ્પષ્ટ કર્યું હતું કે આ લડત વકીલોના કોઈ વ્યક્તિગત લાભ માટે નથી, પરંતુ અંતરિયાળ વિસ્તારના ગરીબ અરજદારોને પડતી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે છે.

આ ન્યાયિક લડતની પૂર્વભૂમિકા રૂપે ગત 25 જુલાઈના રોજ રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લા તથા તાલુકા બાર એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સંયુક્ત બેઠકમાં તમામ બાર એસોસિએશનોએ સર્વાનુમતે રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ મેળવવા માટે એકજૂટ થઈને તબક્કાવાર અને આક્રમક આંદોલન ચલાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે જ આજના વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તબક્કાવાર આંદોલનની વ્યૂહરચના મુજબ, 29 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ તાલુકા અને જિલ્લા કક્ષાના વકીલોએ એક દિવસની પ્રતીક હડતાળ પાડીને અદાલતી કામગીરીનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમ અંતર્ગત વકીલોએ સંગઠિત થઈને રેલી સ્વરૂપે જઈ જિલ્લા કક્ષાએ કલેક્ટર અને તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યાજબી માંગણીઓ બુલંદ બનાવી હતી.

રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચ પુનઃ શરૂ કરવાની ન્યાયિક માંગ સાથે જામનગરના વકીલો આજે સવારે 11 વાગે કોર્ટ કમ્પાઉન્ડમાં એકત્ર થયા હતા. બાર એસોસિએશનના નેતૃત્વ હેઠળ વકીલોએ રાજકોટ બેન્ચની સ્થાપના અંગે બુલંદ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ સંગઠિત થઈને એકી સાથે ભવ્ય બાઇક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વકીલોએ સ્પષ્ટ કર્યું હતું કે આ આંદોલન કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ પ્રજાજનોના વ્યાપક હિત માટે છે, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકોને પોતાના જ વિસ્તારમાં સસ્તો, ઝડપી અને સરળતાથી ન્યાય મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande