


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વોર્ડ નં. 13 સ્થિત પ્રાથમિક કન્યાશાળા-છાયા ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઘરમાં અને શાળામાં ઉત્પન્ન થતા કચરાનું ચાર પ્રકારમાં સેગ્રીગેશન કરવાની યોગ્ય પદ્ધતિ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે જ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા અને મચ્છરોના પ્રજનનને અટકાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ નં. 13ના કોર્પોરેટર પ્રતાપભાઈ ઓડેદરા, વિશાલભાઈ ભૂતિયા તેમજ વોર્ડ નં. 12ના કોર્પોરેટર વર્ષાબેન કારાવદરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃત રહી પોતાના પરિવાર અને સમાજમાં પણ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya