'સુરત જિલ્લા રાહત પેકેજ' ઓનલાઈન પોર્ટલ પર અત્યાર સુધીમાં 3,857 અરજીઓ મળી: સર્વેની કામગીરી પ્રગતિમાં
અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ પોર્ટલ પર login કરીને જોઈ શકે છે
સુરત જિલ્લા રાહત પેકેજ


સુરત, 29 જુલાઈ (હિ.સ.) : સુરત શહેર-જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદ તેમજ પૂરને કારણે વાણિજ્ય, વેપાર અને સેવાકીય યુનિટોના અસરગ્રસ્તોને પુન:બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા તા. 15મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃવસન સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લારી, રેંકડી, કેબિન, નાની-મોટી દુકાનો સહિત કુલ 7 કેટેગરી મુજબ સહાય જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શનમાં આર્થિક સહાય પૂરી પાડવાની આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને અસરગ્રસ્તો ઘરબેઠા સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'સુરત જિલ્લા રાહત પેકેજ' (SDRP-Surat District Relief Package) ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર શહેરી વિસ્તારમાંથી 3,679 તથા ગ્રામ્ય વિસ્તારમાંથી 178અરજીઓ મળી અત્યાર સુધીમાં કુલ 3,857 અરજીઓ નોંધાઈ છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર શહેરી વિસ્તારમાં ઝોન મુજબ જોઈએ તો, સૌથી વધુ અરજીઓ ઈસ્ટ ઝોન-એ (વરાછા) વિસ્તારમાંથી 1251 મળી છે, ત્યારબાદ સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)માંથી 803, ઈસ્ટ ઝોન-બી (સરથાણા)માંથી 706, સાઉથ ઝોન-એ (ઉધના)માંથી 449, નોર્થ ઝોન (કતારગામ)માંથી 199, સાઉથ વેસ્ટ ઝોન (અઠવા)માંથી 101, સેન્ટ્રલ ઝોનમાંથી 109, સાઉથ ઝોન-બી (કનકપુર)માંથી 58 અને વેસ્ટ ઝોન (રાંદેર)માંથી 3 અરજીઓ મળી છે. જેની સ્થળ વિઝીટ અને સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા મુજબ જોઈએ તો, સૌથી વધુ 126 અરજીઓ ચોર્યાસી તાલુકામાંથી મળી છે, ત્યારબાદ કામરેજ તાલુકામાંથી 38, પલસાણા તાલુકામાંથી 8, ઓલપાડ તાલુકામાંથી 3 તથા બારડોલી, માંગરોળ અને માંડવી તાલુકામાંથી 1-1 અરજી મળી છે. જેની સ્થળ વિઝીટ અને સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ પોર્ટલ પર મળેલી તમામ અરજીઓ સામે હવે સંબંધિત વ્યવસાયના સ્થળ પર સર્વેયર દ્વારા રૂબરૂ ચકાસણીની કામગીરી શરૂ છે.

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, સર્વેયર દ્વારા સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સંબંધિત કમિટી દ્વારા અરજી અંગે નિર્ણય લઈ સહાય ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારો પોતાની અરજીનું સ્ટેટસ પોર્ટલ પર login કરીને જોઈ શકે છે.

ઉચ્ચક રોકડ સહાય (કેટેગરી 1 થી 4) માટે અરજી કરવાની અંતિમ તારીખ 30/09/2026 છે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવ તારીખથી ૬ મહિના સુધી (દા.ત.તા.15/7/2026 થી તા.14/01/2027 સુધી) અરજી કરી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા અસરગ્રસ્તોને પણ સમયમર્યાદામાં પોર્ટલ પર અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

‘સુરત જિલ્લા રાહત પેકેજ’માં આ રીતે અરજી કરો

રાજ્ય સરકાર દ્વારા તા.15મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃ વસન સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાન એમ કુલ-7 પ્રકાર મુજબ અલગ અલગ સહાય જાહેર કરવામાં આવી છે. કેટેગરી-1 થી 4 મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-5 થી 7 મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા અંગે જિલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓનલાઈન પોર્ટલ https://sdrp2026.in શરૂ કરવામાં આવ્યું છે. ’સુરત જિલ્લા રાહત પેકેજ’ (Surat District Relief Package) નામથી આ ઓનલાઈન પોર્ટલની લિંક સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ https://surat.gujarat.gov.in તેમજ https://surat.nic.in/ અને સુરત મનપાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ માં POP UP તરીકે મૂકવામાં આવી છે. આ લિન્ક પર ક્લિક કરીને મોબાઈલ નંબરના આધારે login કરી નામ-સરનામું, ધંધા-વ્યવસાયના સ્થળની વિગત તેમજ લારી/રેંકડી/કેબિન/નાની-મોટી દુકાનનો પ્રકાર તેમજ થયેલ નુકસાનીની વિગત અને બેન્ક એકાઉન્ટની વિગત ભરીને સહાય અરજી કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande