સુરતમાં 6 વર્ષના હાર્ટ પેશન્ટ બાળકને શિક્ષકનો નિર્દય માર, શરીર પર સોટીના ગંભીર નિશાનથી પરિવાર આઘાતમાં
સુરત, 29 જુલાઈ (હિ.સ.) : સુરતના ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષના બાળક સાથે શિક્ષકે ક્રૂર વર્તન કર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બાળક અગાઉ ઓપન હાર્ટ સર્જરી કરાવી ચૂક્યો છે અને તેનો માનસિક વિકાસ સામ
સુરતમાં 6 વર્ષના હાર્ટ પેશન્ટ બાળકને શિક્ષકનો નિર્દય માર, શરીર પર સોટીના ગંભીર નિશાનથી પરિવાર આઘાતમાં


સુરત, 29 જુલાઈ (હિ.સ.) : સુરતના ઉધના વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષના બાળક સાથે શિક્ષકે ક્રૂર વર્તન કર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બાળક અગાઉ ઓપન હાર્ટ સર્જરી કરાવી ચૂક્યો છે અને તેનો માનસિક વિકાસ સામાન્ય બાળકો કરતાં ધીમો હોવાનું પરિવારજનોએ શાળાને અગાઉથી જણાવ્યું હતું. તેમ છતાં શિક્ષકે બાળકને સોટી વડે માર મારતાં તેની પીઠ, ગરદન, વાંસા અને છાતી પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. બાળકને બાદમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર, બાળક છેલ્લા કેટલાક દિવસોથી શાળામાં માર પડતો હોવાની ફરિયાદ કરતો હતો, પરંતુ શરૂઆતમાં તેને શાળાએ ન જવાના બહાના તરીકે લેવામાં આવી હતી. જોકે, ઘરે કપડાં બદલાવતી વખતે શરીર પર સોટીના કાળા નિશાન અને થીજી ગયેલું લોહી દેખાતા પરિવાર ચોંકી ગયો હતો. આક્રોશિત વાલીઓએ શાળામાં રજૂઆત કરતાં આચાર્યએ શિક્ષકો હાજર ન હોવાનું જણાવી બીજા દિવસે આવવા કહ્યું હોવાનું પરિવારનું કહેવું છે, જેના કારણે વાલીઓમાં વધુ રોષ ફેલાયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મૂળ શિક્ષક તાલીમમાં હોવાથી અન્ય શિક્ષક વર્ગ સંભાળી રહ્યા હતા અને બાળક વારંવાર બીજા વર્ગમાં જતું હોવાથી શિક્ષકે સંયમ ગુમાવી માર માર્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે તપાસ કમિટી રચવામાં આવી છે અને રિપોર્ટના આધારે જવાબદાર શિક્ષક સામે કડક શિસ્તભંગ તથા કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande