

પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસામાં નહીવત વરસાદ વરસતાં શહેરને પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં પાણીની આવક થઈ નથી. હાલ બંને ડેમમાં માત્ર અંદાજે ચાર મહિના એટલે કે દિવાળી સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આગામી સમયમાં સારો વરસાદ નહીં પડે તો શહેરમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લામાં અત્યાર સુધી પોરબંદર શહેરમાં માત્ર અંદાજે બે ઇંચ, રાણાવાવમાં ચાર ઇંચ અને કુતિયાણા વિસ્તારમાં આશરે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે રાણાવાવ પંથકમાં સારો વરસાદ થાય ત્યારે ખંભાળા અને ફોદાળા ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થતી હોય છે, પરંતુ આ વર્ષે માત્ર ઝાપટાં પડતાં ડેમમાં નવી આવક થઈ નથી.
પોરબંદર પાણી પુરવઠા બોર્ડના જણાવ્યા મુજબ હાલ શહેરને દરરોજ નિયમિત 40થી 41 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને હાલમાં પાણી કાપ લાગુ કરવામાં આવ્યો નથી. હાલ ફોદાળા ડેમમાં આશરે 42 ટકા અને ખંભાળા ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન બંને ડેમ છલકાઈ ગયા હતા, જ્યારે આ વર્ષે વરસાદના અભાવે સ્થિતિચિંતાજનક બની છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગે 1 ઓગસ્ટથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવે પોરબંદર જિલ્લામાં પણ સારો વરસાદ થાય તો જ ડેમોમાં નવી આવક થતાં પાણી સંકટમાંથી રાહત મળી શકે તેમ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya