
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના શીવનગર વ્રજવાટિકા સોસાયટી વિસ્તારમાં રહેતી ગીતાબેન રામભાઈ ભીખુભાઈ કુછડીયા એ બે શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગીતાબેન પોતાના ઘરના ડેલાની બહાર ઓટલા પર કપડા ધોઈ રહ્યા હતા ત્યારે આરોપી નંબર-1 બુલેટ મોટરસાયકલ પર આવીને “કંટોલા (શાકભાજી) આવ્યા છે?” તેવી પૂછપરછ કરી હતી. ગીતાબેને “અહીં શાક માર્કેટ છે કે તમે આવું કેમ પૂછો છો?” તેમ કહેતા આરોપી ગાળો બોલતો ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડીવાર બાદ બંને આરોપીઓ ફરી બુલેટ પર આવી પહોંચ્યા અને ફરીયાદીને ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન થયેલી બોલાચાલીમાં ફરીયાદીએ પોતાની પાસેનો ધોકો ઉઠાવતા આરોપી નંબર 1 એ તે ધોકો છીનવી લઈને ગીતાબેનના ડાબા કાન પાસે ઘા માર્યો હતો. હુમલામાં મહિલાને ઈજા પહોંચતા બેથી ત્રણ ટાંકા લેવા પડ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya