
સુરેન્દ્રનગર/અમદાવાદ,29 જુલાઇ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડામાં ભારે વરસાદને કારણે હિન્દુ મહિલાને અગ્નિદાહના બદલે દફનાવવી પડીની ઘટના સામે આવી. દસાડા (પાટડી) તાલુકાના ખારાઘોડા ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ તંત્રની બેદરકારી સામે આવી છે.
સતત બે દિવસમાં પડેલા આઠ ઇંચથી વધુ વરસાદ તેમજ ઉપરવાસના કડી, બેચરાજી, વિરમગામ અને માંડલ વિસ્તારમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ખારાઘોડા અને નારણપુરા ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને સ્મશાન સુધી જવાનો માર્ગ પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરિણામે હિન્દુ મહિલાને અગ્નિદાહના બદલે દફનાવવાની સ્થિતિ ઊભી થતાં મૃતકના સ્વજને વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો.
આ જ સમયગાળા દરમિયાન ખારાઘોડા (સ્ટેશન) ગામના મેહુલ ઠાકોરની સગર્ભા પત્નીનું સારવાર માટે વિરમગામ લઈ જતાં પહેલાં જ મોત થયું હતું. પરિવારજનોએ મૃતદેહને ગામમાં અંતિમ સંસ્કાર માટે લાવ્યો હતો, પરંતુ સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો વરસાદી પાણીથી બંધ હતો. એટલું જ નહીં, સ્મશાન પર છાપરાની સુવિધા પણ ઉપલબ્ધ નહોતી. પરિણામે પરિવારજનોએ ભારે મનદુઃખ સાથે હિન્દુ પરંપરા મુજબ અગ્નિદાહ આપવાના બદલે જેસીબીની મદદથી ખાડો ખોદી મૃતક મહિલાની દફનવિધિ કરવી પડી હતી.
ગામજનોનું કહેવું છે કે સમયસર સ્મશાનગૃહનું નિર્માણ થયું હોત તો એક હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર માટે પરિવારને પોતાની પરંપરા વિરુદ્ધ દફનવિધિ કરવાની નોબત આવી ન હોત.
સ્મશાન પાસે જળબંબાકારની સ્થિતિમાં પાણીમાં ઉભેલા ગ્રામજનો
ભારે વરસાદને કારણે પાટડી પંથકના અનેક ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. નારણપુરા ગામમાં અનેક પશુઓ પાણીમાં તણાઈ જતાં મોતને ભેટ્યા હતા, જ્યારે પાટડી-ખારાઘોડા વચ્ચેનો રેલવે ટ્રેક પણ નુકસાનગ્રસ્ત બન્યો હતો. સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે ખારાઘોડાની આ ઘટના તંત્ર માટે ચેતવણીરૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ