

પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ફાયર બ્રિગેડને ગઈ કાલે રાત્રે કોલીખડા રોડ પર પસાર થઈ રહેલી એક ચાલતી કારમાં અચાનક આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર જવાનોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તુરંત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાય હતી તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણે કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે થોડા સમય માટે રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા હતા, જોકે ફાયર વિભાગે પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya