



છોટાઉદેપુર, 30 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરના આંગણામાં રમી રહેલી એક નિર્દોષ 4 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. જોકે, વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને માત્ર એક જ રાતમાં આ હુમલાખોર દીપડાને પાંજરે પૂરી દેવામાં મોટી સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી સાંજે મોટા વાજપુર ગામે ચાર વર્ષની બાળકી ભવ્યાબેન રાઠવા પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે અચાનક નજીકની ઝાડીઓમાંથી એક હિંસક દીપડો ધસી આવ્યો હતો અને બાળકી પર ત્રાટક્યો હતો. દીપડાએ બાળકીના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકીની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના ગ્રામજનો દોડી આવતા દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે નજીકના જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાંના ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગ્રામજનોમાં ભારે આક્રોશ હતો અને તેમણે આદમખોર દીપડાને વહેલી તકે પકડી પાડવા સખત માંગ કરી હતી. વન વિભાગે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ગામની આસપાસ દીપડાને પકડવા માટે લોખંડના મજબૂત પાંજરા ગોઠવી દીધા હતા. વન વિભાગની આ ત્વરિત કામગીરી રંગ લાવી હતી. સવાર પડતાં જ હુમલાખોર દીપડો વન વિભાગે ગોઠવેલા પીંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં અને એક જ રાતની અંદર દીપડો પાંજરે પુરાઈ જતાં સ્થાનિક ગ્રામજનોએ ભારે હાશકારો અનુભવ્યો છે. વન વિભાગ હવે આ દીપડાને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ