
- બે દિવસ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા મનપા કમિશનરની અપીલ.
અમદાવાદ, 30 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજથી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 31 જુલાઈએ અમદાવાદ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ અને નર્મદા જિલ્લામાં અત્યંત અસાધારણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આવતીકાલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.
અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બે દિવસ લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવે એવી અપીલ છે.લોકોને ઘરમાં રહેવા અને હવામાન વિભાગની આગાહી અને ટ્રાફિક પોલીસ અપડેટ જોતા રહેવાની રહેશે. શહેરમાંથી ભયજનક હોર્ડિંગસ ઉતરી લેવાયા છે. લોકોએ ઝાડ અને મોટા હોડિગ્સ નીચે ઊભા ન રહેવા અપીલ છે.
હવામાન વિભાગ દ્વારા શહેરમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લાના સમાહર્તા કલેક્ટર ભવ્ય વર્માના પરામર્શમાં રહી આવતીકાલે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા રાખી રજા જાહેર કરવા બાબતે અમોને સૂચના આપી.
અમદાવાદ શહેરની તમામ આંગણવાડીથી લઈ સ્કૂલ, કોલેજો સુધીની તમામે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ રજા જાહેર કરવાનો નિર્ણય લીધેલો છે. અમદાવાદ શહેરની તમામ સ્કૂલઓને અમે સૂચના આપી દીધી છે કે આવતીકાલે શૈક્ષણિક કાર્ય સંદર્ભે વિદ્યાર્થીઓ સ્કૂલ કક્ષાએ આવે નહીં, કારણ કે વિદ્યાર્થીઓની સલામતી રાખવી ખૂબ અગત્યની છે.
આવતીકાલે રેડ એલર્ટ છે. બની શકે છે કે હવામાન વિભાગની જે આગાહી છે એ જો સાચી પડે તો ખૂબ મોટું છે. હવામાન બાબતે આપણને ગંભીરતા રાખવા માટે જણાવ્યું છે, સતર્કતા પણ રાખવી જરૂરી છે, જેને ધ્યાને લઈ રજા જાહેર કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ