સાયબર ઠગાઈથી બચવા બેંક ગ્રાહકોને એલર્ટ, નિયમિત પાસવર્ડ બદલવા અને વિગતો ચકાસવાની સલાહ
નવસારી, 30 જુલાઈ (હિ.સ.) બેંકિંગ સંબંધિત સાયબર ઠગાઈના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ વિભાગે ગ્રાહકોને વધુ સતર્ક રહેવા અપીલ કરી છે. નવસારીમાં એક યુવાનના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરને બદલ્યા બાદ પાસવર્ડ વિના જ રૂ. 98,151ની
સાયબર ઠગાઈથી બચવા બેંક ગ્રાહકોને એલર્ટ, નિયમિત પાસવર્ડ બદલવા અને વિગતો ચકાસવાની સલાહ


નવસારી, 30 જુલાઈ (હિ.સ.) બેંકિંગ સંબંધિત સાયબર ઠગાઈના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ વિભાગે ગ્રાહકોને વધુ સતર્ક રહેવા અપીલ કરી છે. નવસારીમાં એક યુવાનના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરને બદલ્યા બાદ પાસવર્ડ વિના જ રૂ. 98,151ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના અનુસંધાનમાં પોલીસ દ્વારા ગ્રાહકોને પોતાના બેંક ખાતાની સુરક્ષા મજબૂત રાખવા સૂચના આપવામાં આવી છે.

સાયબર ક્રાઇમના અધિકારીઓના જણાવ્યા મુજબ, દર મહિને જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડની આશરે 250થી 300 ફરિયાદો નોંધાઈ રહી છે. ગ્રાહકોએ પોતાની બેંકમાં નોંધાયેલ મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી સાચા છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. સાથે જ મોબાઇલ બેંકિંગ અને ઈન્ટરનેટ બેંકિંગના પાસવર્ડ સમયાંતરે, ખાસ કરીને દર 15 દિવસમાં બદલવાની પણ સલાહ આપવામાં આવી છે.

જો બેંક ખાતા અથવા ક્રેડિટ કાર્ડમાંથી અજાણ્યા ટ્રાન્ઝેક્શન થાય તો તાત્કાલિક બેંકમાં લેખિત ફરિયાદ નોંધાવવી તેમજ કસ્ટમર કેર અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવી જોઈએ. જો બેંક તરફથી યોગ્ય કાર્યવાહી ન થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફરિયાદ નિવારણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. પોલીસે લોકોને સાયબર સુરક્ષા અંગે સાવચેત રહી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત જ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande