
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગરના નવરાત્રી આયોજનકર્તા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ રૂ.8.68 લાખની ચૂકવણી નહીં કરી ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો હોવાનો તેમજ, ઉઘરાણી કરતાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરનાર યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામના મૂળ વતની અને હાલ રાજકોટમાં રહેતા હિતેશભાઈ વેજાણંદભાઈ કંડોરીયા (ઉં. વ. 26) છેલ્લા પાંચ વર્ષથી ટી.એચ.કે. મેનેજમેન્ટ નામે ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરે છે. વર્ષ 2022 દરમિયાન તેમની ઓળખાણ જામનગરના સંજયભાઈ ચેતરીયા સાથે, થઈ હતી. ત્યારબાદ જુલાઈ-2023માં સંજયભાઈએ જામનગરના આશીર્વાદ રિસોર્ટ ક્લબ, જે.સી.આર. સિનેમા તથા રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે યોજાનારી આદ્યાશક્તિ નવરાત્રીના આયોજન માટે કોઓર્ડિનેશનનું કામ સોંપ્યું હતું.
ત્રણેય પ્રોજેક્ટ માટે એક મહિનાના રૂ. 60 હજાર તેમજ મેનેજમેન્ટ ટીમના સભ્યો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ રૂ. 1,800 નક્કી કરવામાં આવ્યા હતા અને નવરાત્રી દરમિયાન 25 સભ્યોની ટીમ દ્વારા મેનેજમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું અને 10 દિવસના જમણવાર પાછળ રૂ. 2.20 લાખનો ખર્ચ પણ તેમણે કર્યો હતો. આ તમામ કામગીરીનું કુલ બિલ રૂ. 11.18 લાખ થયું હતું, જેમાંથી માત્ર રૂ. 2.50 લાખ એડવાન્સ મળ્યા હતા.
જ્યારે રૂ. 8.68 લાખ બાકી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરિયાદી દ્વારા, અનેક વખત ઉઘરાણી કરવા છતાં આરોપી ઉડાઉ જવાબ આપતો રહ્યો હતો. બાદમાં 27 મે, 2026ના રોજ જામનગરમાં આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાધેડી રોડ પર મળ્યા ત્યારે, ફરી પૈસાની માંગણી કરતાં આરોપીએ ગાળો આપી ફરી પૈસાની માંગણી કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે મામલે ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt